Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઇમરાન ખાનની શપથવિધિમાં મને આમંત્રણ મળશે તો જરૂર જઈશ: કપિલ દેવ

નવી દિલ્હી:ભારતના લેજન્ડરી કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું છે કે, જો લેખિતમાં સત્તાવાર આમંત્રણ મળશે તો હું ઈમરાનની વડાપ્રધાન તરીકેની શપથવિધિમાં હાજરી આપવા માટે પાકિસ્તાન જઈશ. કપિલે આ સાથે સ્પષ્ટ કરી દીધું છે કે, તેને હજુ ઈમરાને ઔપચારિક આમંત્રણ પાઠવ્યું નથી. ઈમરાને ક્રિકેટમાં કેપ્ટન તરીકે જેવી સફળતા મેળવી તેવી જ સફળતા તે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે મેળવે તેવી આશા કપિલ દેવે વ્યક્ત કરી હતી. કપિલ દેવે બેંગાલુરુમાં એક ગોલ્ફ ઈવેન્ટની સાઈડલાઈનમાં જણાવ્યું કે, મને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે હજુ તે લેખિતમા મળ્યું નથી. મને તેની ટીમ તરફથી ફોન આવ્યો હતો. જોકે આ અંગે હું સત્તાવાર ઈમેલની રાહ જોઈ રહ્યો છું. જો મને ઔપચારિક આમંત્રણ મળશે તો હું તેના વડાપ્રધાન તરીકેની શપથવિધિમાં ભાગ લેવા જઈશ. ૧૯૮૩માં ભારતને સૌપ્રથમ વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન કપિલ દેવે કહ્યું હતુ કે, ઈમરાનની પાર્ટી પાકિસ્તાનની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતનારી પાર્ટી તરીકે બહાર આવી ત્યારે મેં ફોન પર તેને અભિનંદન પાઠવ્યા હતા. ઈમરાને ૨૦થી વધુ વર્ષો સુધી સખત મહેનત કરી છે. તેણે તેના દેશ માટે કરેલી નિ:સ્વાર્થ સેવાનું ફળ તેને પ્રાપ્ત થયું છે. હું આશા રાખું છું કે, તે આમ કામ ચાલુ રાખશે. ઈમરાન અંગે કપિલે કહ્યું કે, તે ખુબ જ ચતુર કેપ્ટન હતો. પાકિસ્તાન જેવી ટીમને નેતૃત્વ પુરુ પાડવું આસાન નહતુ, પણ તેણે અસરકારક કેપ્ટન્સીને સહારે આ કરી બતાવ્યું હતુ. હું આશા રાખું છું કે, ક્રિકેટમાં કેપ્ટન તરીકે મેળવેલી સફળતા તે પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે પણ પ્રાપ્ત કરે.

(3:58 pm IST)