Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બેલ્જિયમ સામે નેમારને રોકવાનો પડકાર

છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતવાનું સપનું લઈને કવાર્ટર ફાઈનલમાં ઉતરશે બ્રાઝિલ

એકવીસમા ફૂટબોલ વર્લ્ડકપમાં અપસેટો વચ્ચે બેલ્જિયમ અને પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલ આજે સેમી ફાઈનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે. બેલ્જિયમે ગ્રુપ - રાઉન્ડની ત્રણે મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો જયાં એણે બે ગોલથી પાછળ રહ્યા બાદ ગજબની હિંમત બતાવતા જાપાનને ૩-૨થી હરાવીને કવોર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

બેલ્જિયમ જો બ્રાઝિલને હરાવે તો ટુર્નામેન્ટના ઈતિહાસમાં એ બીજી વખત સેમી ફાઈનલમાં પહોંચશે. બેલ્જિયમ પહેલી વખત ૧૯૮૬માં મેકિસકોમાં યોજાયેલા વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં પહોંચ્યુ હતું. જેમાં આર્જેન્ટીનાએ એને ૦-૨થી હરાવ્યુ હતું.

૨૦૦૨ના વર્લ્ડકપમાં બ્રાઝિલે બેલ્જિયમને ૨-૦થી હરાવીને ટુર્નામેન્ટની બહાર કર્યુ હોવાથી બેલ્જિયમ પર આ મેચમાં મનોવૈજ્ઞાનિક દબાણ હશે. જેમાંથી એ બહાર આવવા માગશે. બેલ્જિયમે પ્રિ-કવાર્ટર ફાઈનલમાં જે રીતે જાપાનને  બે ગોલથી પાછળ રહ્યા બાદ હરાવ્યુ એ આશ્ચર્યજનક હતું. બેલ્જિયમે આ પ્રદર્શનથી દેખાડી દીધુ છે કે એ નેમાર એન્ડ કંપનીને જબરદસ્ત ટક્કર આપવા તૈયાર છે. બીજી તરફ, બ્રાઝિલ પણ ગ્રુપ રાઉન્ડમાં સાત પોઈન્ટ્સ સાથે પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યુ હતું અને કવોર્ટર ફાઈનલમાં પ્રવેશવા માટે એણે મેકિસકોને સહેલાઈથી ૨-૦થી હરાવ્યુ હતું.

વળી આ મેચમાં બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરતા તમામને જણાવી દીધુ હતું કે તે પોતાની ઈજાની સમસ્યાને ભુલાવી ચૂકયો છે. હવે જોવાનું એ છે કે બેલ્જિયમની ટીમ કઈ રીતે નેમારના આક્રમણને રોકી શકે છે.

(4:04 pm IST)