Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ આપી બોર્ડને ધમકી, સેલેરી આપો અન્યથા અમે છોડી દઈશુ ક્રિકેટ

જુલાઈમાં ઓસ્ટ્રેલિયા અને સપ્ટેમ્બરમાં પાકિસ્તાન સામે ટી-૨૦ સિરીઝ રમાનાર છે, બોર્ડ મૂંઝવણમાં

ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ બોર્ડને સીધી ધમકી આપી છે કે જો તેમને અગાઉની બાકી સેલેરી નહિં મળી તો તેઓ ક્રિકેટ છોડી દેશે. ટીમે જુલાઈ મહિનામાં ઓસ્ટ્રેલિયા અને સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની ટીમ સાથે ટી-૨૦ સીરીઝ રમવાની છે, પરંતુ ખેલાડીઓની આવી અચાનક માગણીથી ક્રિકેટ બોર્ડ પણ દબાણમાં આવી ગયું છે. ખેલાડીઓએ બોર્ડને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ છે કે જો બાકીની સેલેરીની ચૂકવણી નહિં થાય તો પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે થનારી ટી-૨૦ સીરીઝનો તમામ ખેલાડીઓ બહિષ્કાર કરશે.

ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ પોતાના બોર્ડને ૨૫ જૂન સુધીનો સમય આપ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી ખેલાડીઓને પગાર નથી મળ્યો. ગયા વર્ષે જુલાઈમાં શ્રીલંકા સામે રમાયેલી નવી સિરીઝની મેચ ફી પણ નથી મળી. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અત્યારે ભારે ખોટમાં ચાલી રહ્યુ છે. બોર્ડ પર કુલ ૧૯૦ લાખ ડોલર એટલે કે ૧.૨ અબજ રૂપિયાનું દેવુ છે. આઈસીસીએ આ મામલે મદદ કરવાનુ આશ્વાસન આપ્યુ છે, પરંતુ એ મદદ મળતા સમય લાગી શકે છે.

(3:48 pm IST)