Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જ્યાં સુરક્ષિત અનુભવું છું ત્યાં પાછો ફર્યો : રવિન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજાએ ખાસ તસ્વીરો શેર કરી : ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બીસીસીઆઈ દ્વારા આઈપીએલ રદ કરી દેવામાં આવી છે

રાજકોટ,તા. : કેટલાક ખેલાડીઓને કોરોના થયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૪મી સિઝન અધવચ્ચેથી પડતી મૂકવી પડી છે. જેના કારણે ખાસ કરીને ભારતીય ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના સ્ટાર અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલ-રાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ પોતાના ઘરે પરત ફર્યો છે. જાડેજાએ બુધવારે ટ્વિટર પર ખાસ તસ્વીરો શેર કરી હતી.

રવીન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોતાના ફાર્મ હાઉસ ખાતેના ઘોડાઓની તસ્વીર શેર કરી હતી અને લખ્યું હતું કે, હું જ્યાં મારી જાતને સુરક્ષિત અનુભવું છું તે સ્થળે પાછો ફર્યો. નોંધનીય છે કે જાડેજાને ઘોડા ઘણા પ્રિય છે. જ્યારે પણ સમય મળે ત્યારે તે પોતાના ફાર્મહાઉસ પર સમય પસાર કરે છે. ગત વર્ષે પણ લોકડાઉન દરમિયાન પણ જાડેજાએ ફાર્મહાઉસમાં સમય પસાર કર્યું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તથા આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા મેએ આઈપીએલ-૨૦૨૧ રદ કરી હોવાની જાહેરાત કરી હતી. લીગમાં રમી રહેલા કેટલાક ખેલાડીઓને કોરોના થયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલાડીઓ બાયો-બબલમાં હોવા છતાં તેમને કોરોના થયો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના વરૂણ ચક્રવર્તી તથા સંદીપ વોરિયરને કોરોના થયો હતો જેના કારણે કોલકાતાની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ રમાનારી મેચ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સહા અને દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી તથા અન્ય બે સભ્યોનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આઈપીએલ-૨૦૨૧માં ૬૦માંથી ૨૯ મેચ રમાઈ હતી. વર્તમાન લીગની અંતિમ મેચ મેએ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી.

જોકે, વિદેશી ખેલાડીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે કેમ કે યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે હાલમાં ભારતથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. લીગમાં મોટા ભાગના ખેલાડીઓ ત્રણ દેશના છે.

(9:20 pm IST)