Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

૨૦ લાખના બેઝ પ્રાઈસ સાથે અર્જુન તેંડૂલકરનું રજિસ્ટ્રેશન

IPLની હરાજી માટે ૧૦૯૭ ખેલાડીનાં રજિસ્ટ્રેશન : વિશ્વની મોટી ક્રિકેટ પ્રિમિયર લિગ માટે ૧૮ ફેબ્રુઆરીએ હરાજી યોજાશે : ૨૮૩ વિદેશી ખેલાડીઓ પણ રેસમાં

મુંબઈ, તા. ૬ : ક્રિકેટની સૌથી મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮ ફેબ્રુઆરીના રોજ હરાજી માટે ૧૦૯૭ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સહિત ૧૦૯૭ ખેલાડી છે. બીસીસીઆઈના અનુસાર કુલ ૮૧૪ ભારતીય અને ૨૮૩ વિદેશી ખેલાડીઓએ હરાજી માટે પોતાનું નામ આપ્યું છે.

જો આ વખતની આઈપીએલમાં અર્જુન તેંડુલકર પણ રમતા દેખાય તો નવાઇ નહીં. મળતા સમાચાર અનુસાર ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરે ૧૮ ફેબ્રુઆરીના રોજ યોજનારા હરાજી માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેણે બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા નક્કી કરી છે.

અર્જુન તેંડુલકર આઈપીએલની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સના નેટ બોલર રહ્યા છે. તે આ વર્ષે મુંબઇની તરફથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમી ચૂકયો છે. ડાબા હાથના ઝડપી બોલર્સ અર્જુનનું આ પદાર્પણ કંઇ ખાસ રહ્યું નથી, જેણે ત્રણ ઓવરની બોલિંગમાં ૩૪ રન આપી ૧ વિકેટ લીધી. ખેલાડીઓની હરાજી ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી ટેસ્ટ મેચના એક દિવસ પછી સ્થાનિક સમયાનુસાર બપોર બાદ ત્રણ વાગ્યે શરૂ થશે. કિંગ્સ ઇલેવન પંજાબ સૌથી વધુ ૫૩.૨૦ કરોડ રૂપિયાની સાથે ઉતરશે. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (૩૫.૯૦ કરોડ રૂપિયા), રાજસ્થાન રોયલ્સ (૩૪.૮૫ કરોડ રૂપિયા), ચેન્નાઇ સુપર કિંગ્સ (૨૨.૯૦ કરોડ રૂપિયા), મુંબઇ ઇન્ડિયન્સ (૧૫.૩૫ કરોડ રૂપિયા), દિલ્હી કેપિટલ્સ (૧૨.૯ કરોડ રૂપિયા) તથા કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (બંને ૧૦.૭૫ કરોડ રૂપિયા)નો નંબર આવે છે.

આઈપીએલ ૨૦૨૦માં યુએઈમાં રમાઇ હતી પરંતુ આ વખતે તેનું આયોજન ભારતમાં થવાની સંભાવના છે. ઑસ્ટ્રેલિયાના ટોચના ખેલાડી જેમ કે સ્ટીવ સ્મિથ અને ગ્લેન મૈક્સવેલને ૨૦ જાન્યુઆરીના રોજ તેમની ટીમો રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબને રીલીઝ કરી દીધી હતી. જે બીજા મુખ્ય ખેલાડીઓને તેમની ટીમોએ બહાર કરી તેમાં ક્રિસ મોરિસ, હરભજન સિંહ અને આરોન ફિંચ સામેલ છે.

(8:48 pm IST)