Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી કરનાર ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ પ્રથમ બેટસમેન

ચેન્નાઈમાં ભારત સામે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની સિદ્ધિ : ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની કરિયરની પાંચમી, કેપ્ટન તરીકે બીજી બેવડી સદી, છેલ્લી ૩ મેચમાં બીજી વાર ૨૦૦ રનનો આંકડો પાર કર્યો

ચેન્નાઈ, તા. ૬ : ભારત વિરુદ્ધ ચેન્નઈ ટેસ્ટના પહેલા દિવસે પોતાની ૧૦૦મી ટેસ્ટ રહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સદી સાથે શરૂઆત કરી હતી. પહેલા દિવસે ૧૨૮ રન બનાવીને અણનમ રહેનારા રૂટે બીજા દિવસે રમત આગળ વધારતા ૩૪૧ બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી લીધી. આ સાથે જ જો રૂટે ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને આ કારનામું કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા અન્ય કોઈ ખેલાડી આમ કરી શક્યો નથી.

રૂટે પોતાની ઈનિંગ્સમાં ૧૪૩મી ઓવરના ત્રીજા બોલે રવિચંદ્રન અશ્વિનના બોલ પર શાનદાર છગ્ગો મારીને બેવડી સદી પૂરી કરી હતી. આ તેના કરિયરની પાંચમી અને કેપ્ટન તરીકે બીજી બેવડી સદી છે. પાછલી ત્રણ મેચોમાં રૂટે બીજી વખતે ૨૦૦ રનના આંકડાને પાર કર્યો છે. ભારત વિરુદ્ધ રૂટની આ પહેલી બેવડી સદી છે. રૂટે પોતાની ઈનિંગ્સ દરમિયન ૧૦૦મી ટેસ્ટમાં સૌથી મોટી ઈનિંગ્સ રમવાનો ઈંઝમામ ઉલ હકનો રેકોર્ડ તોડીને બેવડી સદી ફટકારી છે. ઈંઝમામે વર્ષ ૨૦૦૪-૦૫માં ભારત વિરુદ્ધ બેંગલુરુમાં પોતાની ૧૦૦મી ટેસ્ટમાં ૧૮૪ રન બનાવ્યા હતા. એવામાં ભારત સામે રમતા જ રૂટે ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. રૂટ સતત ત્રણ મેચોમાં ૧૫૦થી વધારે રન બનાવીને સર ડોન બ્રેડમેન બાદ દુનિયાનો બીજો કેપ્ટન બની ગયો છે. ડોન બ્રેડમેને વર્ષ ૧૯૩૭માં કેપ્ટન તરીકે આ કમાલ કરી હતી. ૮૪ વર્ષ બાદ તેમના રેકોર્ડની કોઈ કેપ્ટન બરાબરી કરી શક્યું છે. રૂટે સતત ત્રણ ટેસ્ટમાં ૧૫૦થી વધારે રન બનાવ્યા છે.

(7:48 pm IST)