Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

IPLની મેચના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં નથી આવ્યોઃ અઠવાડિયામાં ફેંસલો

૬ એપ્રિલે મુંબઈમાં થશે ભવ્ય ઉદ્ઘાટન સમારોહઃ IPLની મેચો ઓસ્ટ્રેલિયા અને ન્યુ- ઝીલેન્ડમાં પણ જોવા મળશેઃ અંગ્રેજી અને ચાર સ્થાનિક ભાષાઓમાં ૧૨ ચેનલો પર પ્રસારણ

આઈપીએલની અગિયારમી સીઝનને વધુ રોચક અને ભવ્ય બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ વખતે અલગ- અલગ સ્થાનો પર ઉદ્ઘાટન કરવાને બદલે ૬ એપ્રિલે મુંબઈમાં જ ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે અને એમાં બોલીવુડ અને હોલીવુડના કલાકારો ઉપરાંત બીજા દેશોના પણ ઓર્ટિસ્ટો ભાગ લેશે. આ વિશે આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ કહ્યું હતું કે આઈપીએલની અગિયારમી સીઝન ૭ એપ્રિલથી ૨૭ મે સુધી ચાલશે અને આશરે પાંચ અલગ- અલગ કારણોને લીધે આ સીઝન યાદગાર બનશે.

 

અનેક કલાકારો આવશે

આઈપીએલનું ઉદ્ઘાટન ૬ એપ્રિલે મુંબઈમાં થશે. આ કાર્યક્રમ ભવ્ય અને વ્યાપક હશે. ગયા વખતે અલગ-અલગ  સ્થાન પર એનું આયોજન થયું હતું, પણ આ વખતે એક જ સ્થાન પર એનું ભવ્ય આયોજન થશે. એમાં અમેરિકા સહિત અનેક દેશોના કલાકારો સાથે બોલીવુડના કલાકારો ભાગ લેશે. આ માટે જુદા- જુદા દેશના આર્ટિસ્ટો સાથે વાત થઈ રહી છે.

મેચના સમય વિશે નિર્ણય નહીં

આ વખતે મેચો મોડી શરૂ થાય અને વહેલી પતે એવી વાતો થઈ રહી છે. મેચનું પ્રસારણ કરનાર સ્ટાર સ્પોર્ટ્સે ચાર વાગ્યાની મેચો સાડાપાંચ વાગ્યાથી અને આઠ વાગ્યાની મેચો સાડાસાત વાગ્યાથી શરૂ થાય એવો પ્રસ્તાવ મૂકયો છે. આ વિશે બોલતાં રાજીવ શુકલાએ કહ્યું હતું કે આ વિશે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. દરેક ટીમ સાથે વાતચીત કર્યા બાદ એનો નિર્ણય એક અઠવાડિયામાં થશે.

૧૨ ચેનલો પર પ્રસારણ

આ વર્ષે આઈપીએલની મેચોનું પ્રસારણ ૧૨ ચેનલો પર થશે. અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તેલુગુ અને તામિલ ભાષામાં કોમેન્ટરી સાંભળવા મળશે. વિદેશોમાં પણ વધુ ને વધુ લોકો સુધી આ મેચો પહોંચાડવાના ભાગરૂપે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં પણ એનું પ્રસારણ કરવામાં આવશે.

દર્શકો આપી શકશે નિર્ણય

આ વર્ષે આઈપીએલની મેચો વખતે કોઈ ખેલાડી આઉટ થાય તો થર્ડ અમ્પાયર ઉપરાંત સ્ટેડિયમમાં આવેલા દર્શકોને પણ સામેલ કરવા વિશે વિચારણા થઈ રહી છે.

૩૬ શહેરોમાં ફેન પાર્ક

આઈપીએલની મેચો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે દેશનાં ૩૬ શહેરોમાં ફેન પાર્ક બનાવવાની પણ યોજના છે. અમેરિકા, દુબઈ અને સિંગાપોર સહિત કેટલાંક સ્થળો પરથી આ માટે પ્રસ્તાવ મળ્યા છે.

લખનઉ અને કાનપુરમા મેચો નહીં થાય?

ઉત્તર પ્રદેશમાં કાનપુર અને લખનઉમાં IPLની મેચો થશે કે નહીં એના પર સવાલ છે. કાનપુરમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમ છે અને લખનઉમાં નવું ઈકાના સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે કાનપુરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ન હોવાથી મેચો યોજાય એવી શકયતા નહીંવત્ છે. કાનપુરમાં માત્ર એક જ ફાઈવસ્ટાર હોટેલ છે જેમાં ૧૦૦ રૂમ છે. એથી ઘણી વાર ક્રિકેટ- ટીમને લખનઉમાં રાખવામાં આવે છે.

(1:56 pm IST)