Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં રોહિતની વાપસી, સૈનીનું ડેબ્યુ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ મેચ : પ્રવાસી ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતીને શ્રેણી ૧-૧થી બરોબર કરી લીધી હોઈ બન્ને ટીમ જીત માટે જોર લગાવશે

સિડની, તા. ૬ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે સિડની ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. મેચના એક દિવસ પહેલાં ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્માની વાપસી થઇ છે. તે ટીમનો ઉપકેપ્ટન છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૪૩ વર્ષ બાદ ટેસ્ટમાં જીત હાંસલ કરવાની ચેલેન્જ હશે. જ્યારે આ ટેસ્ટ મેચમાં ઝડપી બોલર નવદીપ સૈની ડેબ્યૂ કરશે.

બેસ્ટમેન મયંક અગ્રવાલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યો નથી. જ્યારે ટીમમાં હિટમેન રોહિત શર્માની વાપસી થઇ છે. કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થતાં હનુમા વિહારીની જગ્યા પ્લેઇંગ ઇલેવનમાં નિશ્ચિંત રહી છે. વિહારી છેલ્લી ત્રણ પારીમાં ૪૫ રન કરી શક્યો હતો.

આઇપીએલ દરમિયાન ઇજા થવાને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લિમિટેડ ઓવર્સની સીરિઝ અને પહેલી બે ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. સિડની ટેસ્ટમાં બેસ્ટમેન મયંક અગ્રવાલની જગ્યાએ તેને મોકો મળ્યો છે. બન્ને મેચમાં મયંક અગ્રવાલનું બેટિંગ પ્રદર્શન નોંધપાત્ર રહ્યું નહોતું. તે ૧૭, ૯, ૦ અને ૫ રનની પારી રમી શક્યો હતો.

જ્યારે ઝડપી બોલર નવદીપ સૈનીને સિડની ટેસ્ટમાં મોકો મળ્યો છે. મોહમ્મદ શમીને ઉજા પહોંચતાં શાર્દુલ ઠાકુર અને ટી.નટરાજન પણ દાવેદાર હતા. પરંતુ સિડનીની પિચની સ્થિતિને જોતાં સૈનીને મોકો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય બેસ્ટમેનોએ કેટલીક યાદગાર પારીઓ રમી છે, પરંતુ તે ટીમ માટે ભાગ્યશાળી મેદાન રહ્યું નથી. કેમ કે, અહીં પાંચ મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૪૩ વર્ષ પહેલાં આ ગ્રાઉન્ડ પર જીત હાંસલ કરાઇ હતી.

પ્લેઇંગ ઇલેવનઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (ઉપકેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, નવદીપ સૈની (ડેબ્યૂ).

(7:45 pm IST)