Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

હોકી વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડ 3-0થી ઓસ્ટ્રેલિયા સામે હાર્યું

નવી દિલ્હી: ઘરઆંગણે ચાલી રહેલી મેન્સ હોકી વર્લ્ડ કપમાં આયરલેન્ડ સામેના સામાન્ય સ્તરના પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાએ તેની રમત સુધારતાં ૩-૦થી ઈંગ્લેન્ડને હરાવ્યું હતુ. આયરલેન્ડને જબરજસ્ત દેખાવ કરતાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું હતુ. જોકે છેલ્લા બે વર્લ્ડ કપ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમ ૨-૧થી વિજેતા બની હતી.ઓસ્ટ્રેલિયાએ આજે ઈંગ્લેન્ડને એક પણ ગોલ ફટકારવાની તક આપી નહતી. ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેય ગોલ અંતિમ મિનિટોમાં નોંધાયા હતા. જેકોબ વ્હિટ્ટને ૪૭મી મિનિટે, જેકોબ ગોવેસે ૫૦ મી મિનિટ અને વાયેરે ૫૬મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. અન્ય મુકાબલામાં આયર્લેન્ડ અને ચીન વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી. ચીન તરફથી ગ્યુઓએ ૪૩મી મિનિટે ગોલ ફટકારીને ટીમને સરસાઈ અપાવી હતી. જોકે બીજી જ મિનિટે સોથર્નના ગોલને સહારે આયર્લેન્ડે બરોબરી મેળવી હતી. હવે આવતીકાલે ગૂ્રપ-ડીમાં નેધરલેન્ડ અને જર્મની વચ્ચે હાઈપ્રોફાઈલ મુકાબલો ખેલાશે. જ્યારે બીજી મેચમાં મલેશિયા અને પાકિસ્તાન ટકરાશે. નેધરલેન્ડે પ્રથમ મેચમાં ૭-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. જ્યારે જર્મની પાકિસ્તાન સામે ૧-૦થી જીતી શક્યું હતુ.

(5:42 pm IST)