Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

It's over Gauti

ભારતના બે વર્લ્ડ કપની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીરે લીધી નિવૃત્તિઃ ૨ વર્ષથી ટીમ ઈન્ડીયાથી બાહર છે પૂર્વ ઓપનર : વિડીયો મેસેજ શેર કરતાં ગંભીરે કહ્યું કે કેટલાક નિર્ણયો મનને મક્કમ રાખીને લેવા પડતા હોય છેઃ આવતીકાલે આંધ્રપ્રદેશ સામે પોતાની છેલ્લી મેચ રમશે

નવીદિલ્હીઃ ભારતને બે વર્લ્ડ કપ જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીરે ગઈ કાલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગઈ કાલે એક વિડિયો મેસેજમાં તેણે કહ્યું હતું કે ઘણી વખત કેટલાક નિર્ણયો મક્કમ મન રાખીને લેવા પડતા હોય છે. ગુરૂવારે આંધ્ર પ્રદેશ સામે રમાનારી રણજી મેચ તેની છેલ્લી મેચ હશે. ભારતના આ આક્રમક ઓપનરે સાઉથ આફ્રિકામાં રમાયેલી ૨૦૦૮ વર્લ્ડ ટી૨૦ની ફાઇનલમાં અને ૨૦૧૧ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત તરફથી સૌથી વધુ રન કર્યા હતા. બન્નેમાં ભારત જીત્યું હતું.

એક સમયે ભારતનો સૌથી સફળ બેટ્સમેન રહેલો ગંભીર છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર હતો. છેલ્લે તે ૨૦૧૬માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમ્યો હતો. ગઈ કાલે લીધેલા આ નિર્ણય વિશે વિડિયો મેસેજમાં તેણે કહ્યું હતું કે 'છેલ્લા ઘણા સમયથી આ વિચાર મારા મનમાં ઘૂમરાતો હતો. એક ભાર લઈને હું જાણે ચાલી રહ્યો હતો. પ્રેકિટસ-સેશનમાં પણ સતત આ જ વિચાર ચાલતો રહેતો હતો. ઘણી વખત આને કારણે મને ભોજનનો સ્વાદ પણ ફિક્કો લાગતો હતો. હું ભારત તરફથી રમતો હોઉં કે પછી કોલકત્તા નાઇટ રાઇડર્સ કે પછી દિલ્હી ડેરડેવિલ્સ આ અવાજ મને સતત સંભળાતો હતો કે ગૌતમ હવે તારો સમય પૂરો થયો છે. મેં આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે દ્યણો પ્રયત્ન કર્યો, પરંતુ એવું ન થઈ શકયું.'

ગંભીરે આ વખતે આઈપીએલમાં પણ વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. તેણે પોતાના સંદેશમાં કહ્યું હતું કે ૨૦૧૭ના સારા ડોમેસ્ટિક સીઝન બાદ હું વિશ્વાસ સાથે IPL માં પ્રવેશ્યો હતો. મને થયું કે પેલો નકારાત્મક અવાજ હવે મરી ગયો હતો, પરંતુ હું ખોટો હતો. IPL ની છ મેચ બાદ એ અવાજે વધુ જોરથી વાપસી કરી. કદાચ મારો સમય પૂરો થઈ ગયો હતો. આમ મારા દેશ માટે ૧૫ વર્ષની ક્રિકેટ-કરીઅર બાદ હું એમાંથી નિવૃત્તિ લઉં છું.'

ગંભીરનું કેરીયર

 

ટેસ્ટ

વન-ડે

ટી૨૦

મેચ

૫૮

૧૪૭

૩૭

રન

૪૧૫૪

૫૨૩૮

૯૩૨

(4:43 pm IST)