Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પ્રથમ મેચમાં અમે કરેલી ભૂલોથી બોધપાઠ લઈશુ, યુવા ખેલાડીઓ ઉપર ભરોસો : રોહિત

પંતના ડીઆરએસનો કોલ લઈ શકે છે કે નહિં એ વિશે જજમેન્ટ કરવુ થોડુ વહેલુ કહેવાશે

નવી દિલ્હી : રોહિત શર્માનું કહેવું છે કે રિષભ પંત ડીઆરએસનો કોલ લેવા માટે સક્ષમ છે કે નહીં એ વિશે વાત કરવી થોડી વહેલી કહેવાશે. ભારતીય ક્રિકેટ ટીમ બંગલા દેશ સામેની પહેલી ટીર૦ મેચ સાત વિકેટે હારી જતાં ક્રિકેટપ્રેમીઓને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઈ હતી. વાસ્તવમાં આ મેચ દરમ્યાન વિકેટકીપર તરીકે ફરજ બજાવી રહેલા રિષભ પંતે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં કરેલી બે ભૂલ ટીમને ભારે પડી હતી. પંતની આ ભૂલ પર ક્રિકેટપ્રેમીઓ ખફા થયા હતા.

ઇનિંગની દસમી ઓવરના ત્રીજા બોલે અમ્પાયરે યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં મુશફિકુર રહીમને એલબીડબ્લ્યુ નોટઆઉટ આપ્યો હતો. આ નિર્ણય પર પંતે ના પાડતાં ભારતે રિવ્યુ લીધો નહોતો. જોકે રિપ્લેમાં સ્પષ્ટ હતું કે રહીમ આઉટ હતો. બંગલા દેશનો વિકેટકીપર ત્યારે છ રને બેટિંગ કરી રહ્યો હતો અને એ પછી તેણે અણનમ ૬૦ રનની ઇનિંગ રમીને બંગલા દેશને જીત અપાવી હતી.

પંતનો બચાવ કરતાં રોહિતે કહ્યું હતું કે પંત હજી યુવાન છે. તેને આવી પરિસ્થિતિ સમજવા માટે સમય લાગશે અને અત્યારે કંઈ પણ જજ કરવું વહેલું ગણાશે. તમે કોઈ પણ ફોર્મેટની ગેમ રમો, જયારે તમે સાચી પોઝિશન પર ન હો ત્યારે એક ફીલ્ડર તરીકે તમારે બોલર અને વિકેટકીપર પર ભરોસો રાખવો પડે છે અને એના આધારે જ નિર્ણય લેવો પડતો હોય છે. જો અમે ફીલ્ડ પર સ્માર્ટનેસ સાથે રમ્યા હોત તો કેટલાક નિર્ણય અમારા વિરોેધમાં નહીં હોત. પિચ જોતાં ૧૪૮ રનનો સ્કોર સારો હતો, પણ અમારૃં ડિસિઝન મેકિંગ સારૃં નહોતું અને બે-ત્રણ નિર્ણય લેવામાં અમે ભૂલ કરી હતી. શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા પછી પિચનો મિજાજ જોતાં અમારે ૧૪૦થી ૧૫૦ રન કરવા હતા અને ઇનિંગ-બ્રેકમાં સ્કોરબોર્ડથી અમે સંતુષ્ટ હતા. જોકે અમારા યુવા બેટ્સમેનોએ શીખવાની જરૂર છે કે બોલ ટર્ન થતો હોય અને પિચ ધીમી હોય તો કઈ રીતે બેટિંગ કરાય. તેમને આ સમજતા થોડો સમય લાગશે. બંગલા દેશે સારી રીતે રમત સમજી, રમી અને જીતી હતી.

ચહલની ચોથી ઓવરમાં અમ્પાયરે સૌમ્ય સરકારની કોટ બિહાઇન્ડની અપીલ નકારી હતી. પંતે આગ્રહ કરતાં રોહિતે રિવ્યુ લીધો હતો અને રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ બેટને અડ્યો નહોતો. ડીઆરએસના આ નિર્ણયને લીધે ભારતે પોતાનું રિવ્યુ ગુમાવ્યું હતું.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી રહેલા રોહિત શર્માએ મેચ હારી ગયા બાદ સ્વીકાર્યું હતું કે તેઓ ગ્રાઉન્ડ પર કાચા સાબિત થયા હતા. બંગલા દેશની ટીમનાં વખાણ કરતાં રોહિત શર્માએ કહ્યું હતું કે અમે બેટિંગ કરવા આવ્યા ત્યારથી જ બંગલાદેશે અમને પ્રેશરમાં રાખ્યા હતા. અમારો સ્કોર અમે ડિફેન્ડ કરી શકતા હતા, પણ અમારી ભૂલ અમને ભારે પડી હતી. કેટલાક પ્લેયર્સ બિનઅનુભવી હતા. તેઓ પોતાની ભૂલમાંથી શીખશે અને ફરી ભૂલ ન કરે એવી આશા રાખું છું. આ મેચમાં શિવમ દુબેએ ડેબ્યુ કર્યુ હતું અને તે ખાસ કશું કરી શકયો નહોતો અને રિષભ પંતની ભૂલો પણ ટીમને ભારી પડી હતી જેના લીધે ટીમ જીતતાં-જીતતાં હારી ગઈ હતી.

(3:31 pm IST)