Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકીનો આરોપઃ હિત રક્ષક સમિતિના દેવેન્દ્ર સુરતીની પોલીસમાં અરજી

મને મારી નાખે તો મુનાફ પટેલને ફાંસીની સજા આપવામાં આવેઃ દેવેન્દ્ર સુરતી

વડોદરાઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સામે જાનથી મારી નાખી ધમકી આપી હોવાની અરજી ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. જેમાં મુનાફ પટેલ વારંવાર ધમકી આપતો હોવાનું જણાવવામાં આવ્યું છે.

વડોદરા ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં છોકરાઓને અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવે છે. અમે લોકોએ મુનાફ પટેલ છોકરાઓને ડાયરેકટ ક્રિકેટમાં રમાડતો હોવાના સમાચાર પેપરમાં છપાવ્યા હતા. જેને લઇને આજે સવારે ૯:૩૦ વાગ્યે મુનાફ પટેલે ફોન કરીને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ પહેલાં શહેરમાં અમે ક્રિકેટ હિત રક્ષક સમિતિના બોર્ડ લગાવ્યા હતા. જેમાં મોદી અને અમિત શાહને ધન્યવાદ આપ્યા હતા. તે સમયે પણ મુનાફ પટેલે ધમકી આપીને કહ્યું હતું કે, તારા મોદી અને અમિત શાહ મારા ખિસ્સામાં છે. આ બધા ધંધા બંધ કરી દે. અને આજે ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેથી મારા જીવને જોખમ છે. અને મને કંઇ પણ થાય તેની જવાબદારી મુનાફ પટેલની રહેશે.

પૂર્વ વિદ્યાર્થી નેતા અને વડોદરા ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ જણાવ્યું હતું કે, અમે ટેલેન્ટેડ ક્રિકેટર્સને આગળ લાવવા માટે કામ કરીએ છીએ અને હું ભ્રષ્ટાચારના વિરોધમાં કામ કરૂ છું, જેથી મને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ પહેલાં પણ વારંવાર મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. છેવટે આજે કંટાળીને હું નવાપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસમાં આવ્યો છું. અને મુનાફ પટેલ સામે અરજી આપી છે.

(3:47 pm IST)