Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વિરાટ કોહલી પહેલા બોલે જ આઉટ : કેપ્ટનના નામે નોંધાયો ખરાબ રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ‘શૂન્ય’ પર આઉટ થનાર ભારતીય કેપ્ટન બન્યો : મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. નોટિંગહામમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ખાતું ખોલ્યા વગર જ પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને તેની વિકેટ લીધી હતી. આ સાથે વિરાટ કોહલીના નામે એક ખરાબ રેકોર્ડ બન્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ‘શૂન્ય’ પર આઉટ થનાર ભારતીય કેપ્ટન બન્યો છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે.

જેમ્સ એન્ડરસને વિરાટ કોહલીને જોસ બટલર દ્વારા વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. આ બોલ ઓફ-સ્ટમ્પની બહાર પડ્યો હતો, જે કોહલીની નબળાઈ છે. આના પર, ભારતીય કેપ્ટને ઇન સ્વિંગ બોલ મુજબ બેટ ચલાવ્યું હતુ. પરંતુ બોલ બહાર આવ્યો અને બેટને સ્પર્શ કરીને જોસ બટલરના ગ્લોવ્સમાં સમાઇ ગયો. આ સાથે, ઇંગ્લિશ કેમ્પમાં આનંદ છવાઇ ગયો હતો. તો કોહલીના આઉટ થવાથી ભારતીય પક્ષમાં નિરાશા ફેલાઈ ગઇ હતી.

કોહલી ટેસ્ટ ક્રિકેટમાં નવમી વખત શૂન્ય પર આઉટ થયો છે. તેણે ધોનીને પાછળ છોડી દીધો છે. ધોની ટેસ્ટ કારકિર્દીમાં કેપ્ટન તરીકે આઠ વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. તો વળી આ પહેલા, મન્સૂર અલી ખાન પટૌડી તેની કારકિર્દીમાં કેપ્ટન હતા, ત્યારે સાત વખત શૂન્ય પર આઉટ થયા હતા

જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવમી વખત વિરાટ કોહલીને આઉટ કર્યો છે. એન્ડરસનનો સૌથી વધુ શિકાર બનવાની બાબતમાં કોહલી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. તેના સિવાય ગૌતમ ગંભીર પણ નવ વખત એન્ડરસનનો શિકાર બન્યો હતો. તે જ સમયે, ઇંગ્લિશ બોલરે સૌથી વધુ 12 વખત સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. આ પછી ધોનીનું નામ છે, જેને એન્ડરસને 10 વખત આઉટ કર્યો હતો.

(11:45 pm IST)