Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

બીડબલ્યુએફ સુપર ૫૦૦ ટુર્નામેન્ટ: ભારતના સાત્વિક-ચિરાગની જોડીએ જીત્યું ટાઇટલ

નવી દિલ્હી: ભારતના સાત્વિકસાઈરાજ રાન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઈલેન્ડમાં ચાલી રહેલી બીડબલ્યુએફ સુપર ૫૦૦ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચી દીધો હતો. બિનક્રમાંકિત તરીકે રમી રહેલી સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડીએ સેમિ ફાઈનલમાં સાઉથ કોરિયાના કો સુંગ હ્યુન અને શીન બેક ચેઓલને ૨૨-૨૦, ૨૨-૨૪, ૨૧-૯થી પરાજય આપ્યો હતો. સાત્વિક અને ચિરાગની જોડીની આ વર્ષ ૨૦૧૯ની સિઝનની સૌપ્રથમ ફાઈનલ છે. તેઓ છેલ્લે કોમનવેલ્થ ગેમ્સની મેન્સ ડબલ્સની ફાઈનલમાં પ્રવેશ્યા હતા અને આખરે સિલ્વર મેડલ જીત્યા હતા. હવે ફાઈનલમાં બિનક્રમાંકિત તરીકે ટુર્નામેન્ટમાં રમી રહેલી ભારતીય જોડી ત્રીજો સીડ ધરાવતી ચીનની લી જુન હુઈ અને લિઉ યુ ચેન સામે ટકરાશે.હાઈવોલ્ટેજ સેમિ ફાઇનલમાં એક તબક્કે પાછળ ફેંકાયા બાદ જે પ્રકારે સાત્વિક અને ચિરાગની જોડીએ લડાયક રમત દર્શાવી તેના થકી તેઓ વિજેતા બન્યા હતા. ચિરાગ શેટ્ટીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવને કારણે અમે વધુ ઠંડક સાથે રમતાં થયા છીએ. અગાઉ તનાવની સ્થિતિમાં અમે પરેશાન થઈ જતા. અમે બીજી ગેમમાં બે મેચ પોઈન્ટ ગુમાવ્યા પણ ત્રીજી ગેમમાં અમે ખુબ જ સરળતાથી વિજેતા બન્યા, જે બાબત મહત્વની રહી. અમે અત્યંત પ્રભાવશાળી રમત દર્શાવી અને ખાસ કરીને પોઈન્ટ્સ જીતવા માટે વધુ પ્રયાસ ન કર્યા. રેલીસને લંબાવી અને જ્યારે જ્યારે તક મળી ત્યારે આક્રમણ કરીને સફળતા મેળવી.ભારતની સાયના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત તેમજ સાઈ પ્રણિત સહિતના ખેલાડીઓએ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જોકે તેઓ શરૃઆતની મેચોમાં તેઓ હારીને બહાર ફેંકાયા હતા. 

 

(6:32 pm IST)