Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સૌથી વધુ સિકસર ફટકારવાનો રેકોર્ડ રોહિતના નામે : ટીમ ઈન્ડિયાએ ટી-૨૦ સિરીઝ જીતી

ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારત ૨૨ રને મેચ જીત્યુ : વિન્ડીઝ સામે વિદેશમાં ૮ વર્ષ પછી સિરીઝ જીતી : કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ

ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ સામેનો બીજો ટી-૨૦ મેચ ૨૨ રને જીતી હતી.તે સાથે જ ભારતે ૩ મેચની સિરીઝમાં ૨-૦થી અજય લીડ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ વિરૂદ્ધ ૮ વર્ષ પછી વિદેશમાં સિરીઝ જીત્યું છે. ટીમ છેલ્લે ૨૦૧૧માં કિંગ્સ્ટન ખાતે સિરીઝ જીતી હતી. તેમજ વિન્ડીઝ સામે સતત બીજી ટી-૨૦ સિરીઝમાં જીત મેળવી છે. ઉપકપ્તાન રોહિત શર્માએ ૫૧ બોલમાં ૬ ચોક્કા અને ૩ છગ્ગાની મદદથી ૬૭ રન કર્યા હતા. તે ઉપરાંત આ ઇનિંગ્સમાં તે ટી-૨૦માં સૌથી વધુ સિકસ ફટકારનાર બેટ્સમેન બન્યો હતો.

૧૬૮ રનનો પીછો કરતા વિન્ડીઝે ૧૫.૩ ઓવરના ૪ વિકેટ ગુમાવી ૯૮ રન કર્યા હતા. ત્યારે તેમને ડકવર્થ લુઈસ પ્રમાણે ૧૨૦ રનની જરૂર હતી  . તેથી તેઓ ૨૨ રને મેચ હારી ગયા હતા. તેમના માટે એકમાત્ર      રોવમેન પોવેલ શાનદાર બેટિંગ કરી હતી. તેણે ૩૪ બોલમાં ૬ ચોક્કા અને ૩ છગ્ગાની મદદથી ૫૪ રન કર્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ૨૦ રનનો આંક વટાવી શકયું ન હતું. ભારત માટે કૃણાલ પંડ્યાએ ૨ વિકેટ, જયારે ભુવનેશ્વર કુમાર અને સુંદરે ૧-૧ વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવેલ.

(4:01 pm IST)