Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સૈનીનું સિલેકશન મામલે બિશનસિંહ બેદી અને ગૌતમ ગંભીર વચ્ચે ચડભડ

ગંભીરનું ટ્વીટ : ક્રિકેટની ફિલ્ડ પર પગ મૂકતા પહેલા જેણે સૈનીના કેરીઅરની સ્ટોરી લખી હતી તેમનું મિડલ સ્ટમ્પ ઉખડી ગયુ : બેદીનું ટ્વીટ : ભારત વતી ડેબ્યુ કરવા બદલ અભિનંદન, બોલીંગ કર્યા વગર જ બે વિકેટ લઈ લીધી છે

નવી દિલ્હી : નવદીપ સૈનીના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડ્રીમ ડેબ્યુ પછી ગૌતમ ગંભીરે ભલે ભારતના ભૂતપૂર્વ સ્પિનર બિશન સિંહ બેદી પર શાબ્દિક હુમલો કર્યો હોય, પણ બેદીને એમ લાગે છે કે પોતાની વાત સાબિત કરવા તેમણે નીચી કક્ષાએ જવાની જરૂર નથી.

ગૌતમ ગંભીર અને બિશન સિંહ બેદી વચ્ચે દિલ્હી ક્રિકેટના અલગ-અલગ મુદ્દાઓ વિશે હંમેશાં મતભેદ રહ્યા છે. સૈનીએ ૨૦૧૩માં ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું ત્યારે બેદીએ તેના સિલેકશન વિરુદ્ઘ ડીડીસીએના એ સમયના પ્રેસિડન્ટ સ્નેહ બંસલને પત્ર લખ્યો હતો જે ગંભીરને ગમ્યો નહોતો.બેદીએ ગંભીરનું નામ લીધા વગર કહ્યું, મને નથી લાગતું કે મારે મારી વાત સાચી સાબિત કરવા નીચી કક્ષાએ જવું જોઈએ. હું ટ્વિટરની કોઈ કમેન્ટસ્ પર રિએકશન નહીં આપું. જોકે હું કયારેય નવદીપ સૈની વિશે નેગેટિવ નથી બોલ્યો અને હું માનું છું કે કોઈ પ્લેયર સફળ થયો છે તો એમાં તે ખેલાડીની મહેનત જવાબદાર છે. કોઈ ટોમ, ડિક અને હેરીની નહીં.

ટ્વિટર પર બેદીએ સૈની વિશે લખ્યું કે, ભારત વતી ડેબ્યુ કરવા બદલ અભિનંદન. બોલિંગ કર્યા વગર જ તે બે વિકેટ લઈ લીધી છે.

ગંભીરે ટ્વીટમાં લખ્યું, ક્રિકેટની ફીલ્ડ પર પગ મૂકતાં પહેલાં જેણે સૈનીના કરીઅરની સ્ટોરી લખી હતી તેમનું મિડલ સ્ટમ્પ ઊખડી ગયું છે.

બેદીએ કહ્યું હતું કે તેમણે કયારેય સાર્વજનિક રીતે સૈનીના સિલેકશન પર વાંધો નથી ઉઠાવ્યો.

(4:00 pm IST)