Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

વિકેટ પર ટક્યા બાદ આઉટ થવું ગાવસ્કરને પસંદ નહતું

પૂર્વ ટેસ્ટ વિકેટકીપર કિરણ મોરેએ ખુલાસો કર્યો : સસ્તામાં આઉટ થઈને ગાવસ્કર પરત ફરે તો તેમની પાસે કોઈ ફરકતું નહતું કેમકે તેઓ ગુસ્સામાં રહેતા હતા

નવી દિલ્હી, તા. ૫ : ક્રિકેટમાં આક્રમકતા સ્વાભાવિક છે. ઘણીવાર ખેલાડીઓ મેદાન પર જ સામસામે આવી જતા હોય છે ત્યારે ભારતનાં પૂર્વ લોકપ્રિય ખેલાડી સુનીલ ગાવસ્કર પણ આઉટ થઈ ગયા બાદ ખૂબ ગુસ્સો કરતા. તેમના ગુસ્સાથી અન્ય ખેલાડીઓ પણ ડરીને રહેતા હતા. આ વાતનો ખુલાસો ટીમના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન કિરણ મોરેએ કર્યો છે. ભારતનાં દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સુનીલ ગાવસ્કર પોતાની બેટિંગ માટે દેશભરમાં જાણીતા છે પણ પોતાના ગુસ્સાને લઈને પણ ગાવસ્કર પ્રખ્યાત છે, આ ખુલાસો ટીમનાં જ પૂર્વ સિલેક્ટર અને વિકેટકિપર બેટ્સમેન કિરણ મોરેએ કર્યો છે. મોરેએ ખુલાસો કરતા કહ્યું છે કે, ભારતની આખી ટીમના ખેલાડીઓ સુનીલ ગાવસ્કરના ગુસ્સાનો શિકાર થવા મુદ્દેે ખૂબ ભયભીત રહેતા હતા. મોરેએ કહ્યું કે ગાવસ્કરને આઉટ થવું બિલકુલ પસંદ ન હતું. તે હંમેશા આઉટ થયા બાદ ખૂબ ગુસ્સામાં આવતા હતા અને આ જ કારણ હતું કે ટીમના ખેલાડીઓ તેમનાથી છુપાઈ જતા હતા. આ જ મુદ્દે એક કિસ્સો યાદ કરતા મોરેએ જણાવ્યું કે, મેં ગાવસ્કર સાથે વેસ્ટ ઝોન માટે એકસાથે ઘણી બધી મેચ રમી છે. મને યાદ છે કે યાદ છે કે વાનખેડેમાં એક ટેસ્ટ મેચમાં સુનીલ ૪૦ કે ૩૦ રન બનાવીને આઉટ થઈ ગયા. જ્યારે તે પરત આવ્યા તો કોઈ ડ્રેસિંગમાં ન હતું, બધા જ મેદાનમાં કોઈને કોઈ ખૂણામાં ભાગતા દેખાયા અને તેમનાથી બચવાના પ્રયત્ન કરી રહ્યા હતા. તે લાલઘૂમ થઇ ગયા હતા. તે ૧૦-૧૫ રન બનાવીને આઉટ થાય ત્યારે ગુસ્સે નહોતા થતાં પરંતુ મેદાન પર એક કલાક વિતાવ્યા બાદ આઉટ થવા પર તે કહેતા કે હું આઉટ કઈ રીતે થઈ શકું છું. ગાવસ્કાર વિશે વધુ જાણકારી આપતાં મોરેએ કહ્યું કે નેટ્સ પર ગાવસ્કરની રમત મેદાનથી બિલકુલ અલગ રહેતી હતી. તેમણે કહ્યું કે મેં નેટ્સ પર જેટલા ખેલાડીઓને જોયા છે તે બધામાં સૌથી ખરાબ પ્રદર્શન સુનીલ ગાવસ્કરનું હતું. તે નેટ પ્રેક્ટીસ જેવું કરતા જ ન હતા. તેમને નેટ્સમાં અભ્યાસ પસંદ ન હતો. જ્યારે પણ હું તેમને પ્રેક્ટીસ કરતા જોતો હતો તો ડર લાગતો હતો કે આખરે આ વ્યક્તિ મેચમાં કઈ રીતે રમશે. પણ મેચમાં તેમની બેટિંગ બિલકુલ અલગ રહેતી હતી.

મોરેએ કહ્યું કે ગાવસ્કરની સૌથી મોટી તાકાત છે તેમની એકાગ્રતા. ગાવસ્કરની અંદર જે પ્રકારની એકગ્રતા હતી તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. એકવાર જયારે તે પોતાના ઝોનમાં જતા રહેતા તે પછી તેમનું ધ્યાનભંગ કોઈ ન કરી શકે. તમે તેમની પાસે જઈને વાત કરો કે પછી નાચવા માંડો પણ તેમનું ધ્યાન માત્ર ક્રિકેટ પર જ રહેતું.

(7:55 pm IST)