Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ઉશ્કેરાટમાં વિરાટ કોહલી સારી રમત રમે છે :જોશ હેઝલવુડ

ભારતીય સુકાનીની શક્તિથી હેઝલવૂડ પરિચિત : પૂજારા બેટિંગ વડે બોલર્સને થકવી દે છે અને પોતાની વિકેટ સાચવવા માટે ઘણી મહેનત કરે છે : જોશ હેઝલવુડ

સિડની, તા. ૫ : ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવુડે કહ્યું છે કે, તેની ટીમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે તકરાર કરવા ઈચ્છશે નહીં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય ઝડપી બોલરે કહ્યું છે કે તેની ટીમ બેટિંગ દરમિયાન કોહલી સાથે તકરાર કરવા ઈચ્છશે નહીં કેમ કે તેનાથી તે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. જો ભારતનો ઓસટ્રેલિયા પ્રવાસ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે યોજાશે તો આ ઓસ્ટ્રેલિયન બોલર્સનો સામનો કોહલી સામે થશે. હેઝલવુડે કહ્યું કે, ચોક્કસથી તે કોહલી સાથે તકરાર કરવાથી બચશે. મને લાગે છે કે ૨૦૧૮મા રમાયેલી શ્રેણી દરમિયાન આ સ્પષ્ટ થઈ ગયું હતું. મને લાગે છે કે તે કોઈપણ જાતના ઝઘડામાં પડવાનું પસંદ કરે છે કેમ કે તેનાથી કદાચ તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે બેટિંગ કરી રહ્યો હોય છે. તેથી બોલર્સ માટે ત્યારે કોઈપણ જાતના ઝઘડામાં પડવું યોગ્ય નથી. ચેતેશ્વર પૂજારા અંગે હેઝલવુડે કહ્યું હતું કે, પૂજારા પોતાની બેટિંગ વડે બોલર્સને થકવી દે છે અને પોતાની વિકેટ સાચવવા માટે ઘણી મહેનત કરે છે. તે પોતાની વિકેટની કિંમત સમજે છે અને અમે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી શ્રેણીમાં તે જોેયું હતું. ભારતીય ટીમ ચાર ટેસ્ટની સિરીઝ માટે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. બંને ટીમ વચ્ચે ત્રીજી ડિસેમ્બરે બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટ રમાશે. જ્યારે ૧૧થી ૧૫ ડિસેમ્બર દરમિયાન એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમાશે. ૨૬થી ૩૦ ડિસેમ્બરે મેલબોર્નમાં અને ૩થી ૭ જાન્યુઆરીએ સિડનીમાં ટેસ્ટ મેચ રમાશે.

(7:54 pm IST)