Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અફઘાનિસ્તાની બેટ્સમેન ઇકરામ અલી ખીલે સચિન તેંડુલકરનો ૨૭ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

વનડે કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી સૌથી નાની ઉમરના પ્રથમ ખેલાડી બન્યો

મુંબઈ : આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ ની ૪૨ મી મેચ વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનની વચ્ચે  લીડ્સના હેન્ડીગલે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલ મેચમાં અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન ઇકરામ અલી ખીલે શાનદાર બેટિંગ કરતા પોતાની વનડે કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી સાથે ઇકરામ અલી ખીલે  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઇકરામ અલી ખીલે આ મેચમાં ૯૩ બોલમાં આઠ ચોગ્ગાની મદદથી ૮૬ રન બનાવ્યા છે. તેની સાથે તે વર્લ્ડ કપમાં એટલા જ રન બનાવનાર સૌથી નાની ઉમરના પ્રથમ ખેલાડી બની ગયા છે.

   ઇકરામ અલી ખીલ પહેલા આ કારનામું સચિન તેંડુલકરે કર્યું હતું. સચિન તેંડુલકરે ૧૯૯૨ વર્લ્ડ કપમાં બે વખત આવું કર્યું હતું. તેમને ઝિમ્બાબ્વે સામે ૮૧ રનની ઇનિંગ રમી હતી. ત્યારે સચિન તેંડુલકર ૧૮ વર્ષ ૩૧૮ દિવસના હતા જયારે આ વર્લ્ડ કપમાં તેમને ન્યુઝીલેન્ડ સામે ૮૪ રન બનાવ્યા હતા ત્યારે સચિન તેંડુલકર ૧૮ વર્ષ ૩૨૩ દિવસના હતા.

  ઇકરામ અલી ખીલે જયારે આ ઐતિહાસિક ઇનિંગ રમી ત્યારે તે ૧૮ વર્ષ ૨૭૮ દિવસના હતા. તેમ છતાં ઇકરામ અલી ખીલે પોતાની આ શાનદાર ઇનિંગથી અફઘાનિસ્તાનને જીત અપાવી શક્યા નહીં અને અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યું નહોતું.

(11:57 am IST)