Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

નાઈજીરિયાના કેપ્ટન મિકેલ જોન ઓબીએ કર્યો ઘટસ્ફોટ: મારા પિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી: નાઈજીરિયાના કેપ્ટન મિકેલ જોન ઓબીએ ઘટસ્ફોટ કર્યો છે કે, આર્જેન્ટીના સામેની અમારી ગુ્રપ મેચ હતી તે પહેલા જ મારા પિતાનું અપહરણ થયું હતુ. મને ધમકી આપવામાં આવી હતી કે, જો હું આ સમાચાર જાહેર કરી દઈશ તો તેઓ મારા પિતાને મારી નાંખશે. અપહરણકર્તાઓએ મારા પિતાને છોડવા માટે જંગી રકમની માગ કરી હતી. કેપ્ટન ઓબી તેની ટીમ સાથે બસમાં બેસીને આર્જેન્ટીના સામેની આખરી અને નિર્ણાયક ગૂ્રપ મેચ રમવા માટે સેંટ. પીટર્સબર્ગના સ્ટેડિયમ તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેને નાઈજીરિયાથી તેના પરિવારના એક સભ્યનો ફોન આવ્યો હતો. તેમણે ઓબીને સમાચાર આપ્યા કે, તેના પિતાનું અપહરણ થઈ ગયું છે અને તેમણે અપહરણકર્તાઓનો નંબર પણ તેને આપ્યો હતો. ઓબીએ જ્યારે તેના પર ફોન લગાવ્યો ત્યારે તેઓએ ખંડણીની માગ કરી હતી. તેણે ઊમેર્યું કે, આ ઘટના અંગે મેં નાઈજીરિયાના ફૂટબોલ ફેડરેશનના કોઈ ઓફિસિઅલને આ અંગે જાણ કરી નહતી, કારણ કે હું એકાગ્રતા ભંગ થવા દેવા માગતો નહતો. નાઈજીરિયન કેપ્ટન વ્યક્તિગત પરેશાનીને એક તરફ રાખીને આખી મેચ રમ્યો હતો, જેમાં તેની ટીમનો ૧-૨થી પરાજય થયો હતો. નાઈજીરિયાની પોલીસે એક સપ્તાહની મહેનત બાદ આખરે તેના પિતાને અપહરણકારો પાસેથી છોડાવી લીધા હતા. જોકે એક સપ્તાહ સુધી અપહરણકારોએ તેમને ત્રાસ આપ્યો હોવાથી તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બીજી વખત તેમનું અપહરણ થયું હતુ. અગાઉ ઓગસ્ટ, ૨૦૧૧માં તેમનું અપહરણ થયું હતુ.

(5:48 pm IST)