Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

શું આઈપીએલ વિદેશમાં રમાડાશે?

જો ટી-૨૦ વર્લ્ડકપ રદ્દ થાય તો એ સમયગાળામાં IPL રમાડવામાં આવે તેવી પણ શકયતા

નવી દિલ્હી, તા.૫ :  કોરોના વાયરસના કારણે અચોક્કસ મુદ્દત માટે મુલતવી રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૦ રમાય તેવી સંભાવના છે. વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ આ લોકપ્રિય ટી-૨૦ ક્રિકેટ લીગ રમાય તેવી તમામ શક્યતાઓ અંગે વિચાર કરી રહ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના એક અધિકારીએ જણાવ્યું છે કે અંતિમ વિકલ્પના રૂપમાં વિદેશમાં આ લીગ રમાડવાનો અંતિમ વિકલ્પ દેખાશે તો પણ તે ખચકાટ અનુભવશે નહીં.

મીડિયા અહેવાલ પ્રમાણે, બોર્ડ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે, આ વર્ષે જો આઈપીએલ દેશની બહાર રમાડવાનો વિકલ્પ પણ હશે તો બોર્ડ તે માટે ખચકાશે નહીં. અમે ભૂતકાળમાં પણ આવું કર્યું હતું અને ભવિષ્યમાં પણ કરી શકીએ છીએ. જો કે, અમારી પ્રાથમિકતા આ લીગ ભારતમાં રમાય તેવું આયોજન કરવાની છે.

 સૂત્રએ જણાવ્યું છે કે, આઈસીસી ૧૦ જૂને યોજાનારી પોતાની બેઠકમાં ટી-૨૦ વર્લ્ડકપ અંગે નિર્ણય લેશે. ત્યારબાદ આઈપીએલની સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ વર્ષે ટી-૨૦ વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. પરંતુ કોરોનાના કારણે તેને રદ કરવામાં આવે તો બીસીસીઆઈ આ ખાલી વિન્ડોમાં આઈપીએલનું આયોજન થાય તેવી શક્યતાઓ અંગે વિચાર કરશે.

(3:05 pm IST)