Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વર્લ્ડ કપ 2019: ટીમ ઇન્ડિયાની ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત : ભારતે દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું

રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા :મેન ઓફ ધ મેચ

 

ઉથેમ્પ્ટનઃ વિશ્વકપ 2019માં ભારતીય ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 47.3 ઓવરમાં 230 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 15 રન બનાવી અણનમ રહ્યો હતો. આફ્રિકા તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતી

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે છઠ્ઠી ઓવરમાં 13 રનના સ્કોર પર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવનને રબાડાએ ડીકોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 54 રન હતો ત્યારે કેપ્ટન વિરાટ કોહલી (18) ફેહલુકવાયોનો શિકાર બન્યો હતો. તેણે 34 બોલનો સામનો કરતા 1 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ ટીમે 139 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ (26) રબાડાનો શિકાર બન્યો હતો. તેણે 42 બોલનો સામનો કરતા 2 બાઉન્ડ્રી ફટકારી હતી.
રોહિત શર્માએ 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 128 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તેની 23મી આંતરરાષ્ટ્રીય સદી છે.

રોહિત વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. સૌરવ ગાંગુલી 22 સદીની સાથે ચોથા સ્થાન પર છે. તેની વિશ્વકપમાં બીજી સદી છે. તેણે પહેલા 2015માં બાંગ્લાદેશ વિરુદ્ધ 137 રનની ઈનિંગ રમી હતી.

ભારતે 139 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ધોની અને રોહિતે મળીને ટીમને વિજય સુધી પહોંચાડ્યું હતું. બંન્નેએ ચોથી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. ધોની 46 બોલમાં 34 રન બનાવી આઉટ થયો હતો.

(11:26 pm IST)