Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

કાલથી ટ્રાન્‍ગ્‍યુલર સિરીઝ : યુવા ખેલાડીઓની કસોટી

કાલે ભારત - શ્રીલંકા વચ્‍ચે સાંજે ૭ વાગ્‍યાથી ટી-૨૦નો પ્રથમ મુકાબલો : સિનિયર ખેલાડીઓને આરામ : રોહિત એન્‍ડ કંપનીને ટ્રોફી જીતવાની જવાબદારી

કોલંબો : આવતીકાલે ભારતીય સમય મુજબ સાંજે ૭ વાગ્‍યે ભારત અને શ્રીલંકા વચ્‍ચે નિદાહાસ ટ્રોફી ટી-ટ્‍વેન્‍ટીટ્રાન્‍ગ્‍યુલરની પ્રથમ મેચ રમાશે. આ સ્‍પર્ધાની ત્રીજી ટીમ બાંગ્‍લાદેશ ગુરૂવાર ૮મી માર્ચે ભારત સામે ટકરાશે.

દરેક ટીમ એકમેક સામે કુલ બે મેચ રમશે અને ટોચની બે ટીમો વચ્‍ચે રવિવાર ૧૮મી માર્ચે ફાઈનલ રમાશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમનું સુકાન રોહિત શર્મા સંભાળશે. વિરાટને તેમજ મહેન્‍દ્રસિંહ ધોની, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડયા અને કુલદીપ યાદવને આ સ્‍પર્ધામાંથી આરામ આપવામાં આવ્‍યો છે.

નિદાહાસ ટ્રોફીમાં વિરાટ નથી રમવાનો એટલે તેની ગેરહાજરીમાં રોહિતના નેતૃત્‍વમાં ભારતીયોએ શ્રીલંકાથી ટ્રોફી લઈને પાછા આવવાની જવાબદારી અદા કરવાની છે.

શ્રીલંકાન ટીમનું સુકાન દિનેશ ચંદીમલના હાથમાં છે. જયારે શકીબ હાથની આંગળીની ઈજાને કારણે સ્‍પર્ધાની બહાર થઈ જતા બાંગ્‍લાદેશની કેપ્‍ટન્‍સી મહમુદુલ્લાહ સંભાળશે.

ટીમ ઈન્‍ડિયા

રોહિત શર્મા (કેપ્‍ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર) શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, સુરેશ રૈના, વિજય શંકર, દિપક હૂડા, યુઝવેન્‍દ્ર ચહલ, અક્ષર પટેલ, વોશીંગ્‍ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહંમદ સિરાજ અને જયદેવ ઉનડકટ.

(5:43 pm IST)