Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ભારત-શ્રીલંકા વચ્ચે ટ્વેન્ટી જંગ માટે તખ્તો તૈયાર કરાયો

કોલંબોના પ્રેમદાસા ખાતે મંગળવારે મેચ રમાશેઃ વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માના નેતૃત્વમાં નવી ટીમ મેદાનમાં ઉતરશે : સ્ટાર ખેલાડીઓને આરામ

કોલંબો,તા. ૫: કરોડો ક્રિકેટ ચાહકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ આ ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય સ્ટાર ખેલાડી આમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમમાં શિખર ધવન વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં રહેશે. જો કે આ શ્રેણીમાં પણ ભારત હોટફેવરટી તરીકે રહેશે. ટીમમાં સામેલ કરવામાં આવેલા યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક છે. રાઉન્ડ રોબિન ફોર્મેટના આધાર પર આ શ્રેણી રમાનાર છે. શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે આ શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ  શ્રેણીમાં ભારત અને શ્રીલંકાની સાથે ત્રીજી ટીમ તરીકે બાંગ્લાદેશ છે. ડી સ્પોર્ટસ પર આ મેચોનુ પ્રસારણ કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ભારતે હાલમાં દક્ષિણ આફ્રિકા પર વનડે બાદ ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી જીતી લીધી હતી. છેલ્લી ટ્વેન્ટી મેચમાં વિરાટ કોહલી રમ્યો ન હતો અને રોહિત શર્મા કેપ્ટન તરીકે રહ્યો હતો. છતાં ભારતે શાનદાર જીત મેળવી હતી. આવી સ્થિતીમાં આ શ્રેણીમાં રોહિત પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.સેન્ચુરિયન ખાતે ૨૧મી ફેબ્રુઆરીના દિવસે  રમાયેલી બીજી ટ્વેન્ટી મેચ યજમાન દક્ષિણ આફ્રિકાએ જીતીને શ્રેણીને સજીવન રાખવામાં સફળતા મેળવી હતી. યજમાન ટીમે ભારતને બીજી ટ્વેન્ટી મેચમાં છ વિકેટે હાર આપી હતી. પ્રથમ ટ્વેન્ટી મેચ જીતતા પહેલા ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર વનડે શ્રેણી ૫-૧થી  જીતી લેવામાં સફળતા મેળવી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં લાંબી શ્રેણી રમ્યા બાદ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, જશપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી હાલમાં પૂર્ણ થઇ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની પસંદગી કરતી વેળા સ્ટાર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ વર્તમાન શ્રેણીમાં બે મેચ શ્રીલંકા સામે અને બે મેચો બાંગ્લાદેશની ટીમ સામે રમાનાર છે.

ટ્વેન્ટી શ્રેણી કાર્યક્રમ.....

શ્રીલંકામાં રમાનારી ટ્વેન્ટી-૨૦ શ્રેણીની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે.   ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશને આવરી લેતી ત્રિકોણીય ટ્વેન્ટી શ્રેણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

-    છ્ઠી માર્ચના દિવસે ભારત-શ્રીલંકા (પ્રેમદાસા, શ્રીલંકા)

-    આઠમી માર્ચના દિવસે બાંગ્લાદેશ-ભારત (પ્રેમદાસા, શ્રીલંકા)

-    ૧૦મી માર્ચના દિવસે શ્રીલંકા-બાંગ્લાદેશ (પ્રેમદાસા, શ્રીલંકા)

-    ૧૨મી માર્ચના દિવસે શ્રીલંકા-ભારત (પ્રેમદાસા, શ્રીલંકા)

-    ૧૪મી માર્ચના દિવસે બાંગ્લાદેશ-ભારત ( પ્રેમદાસા, શ્રીલંકા)

-    ૧૬મી માર્ચના દિવસે શ્રીલંકા-બાંગ્લાદેશ ( પ્રેમદાસા, શ્રીલંકા)

-    ૧૮મી માર્ચના દિવસે ફાઇનલ મેચ

(12:25 pm IST)