Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ઇન્ડિયન ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુને મળી હાર

નવી દિલ્હી: ભારતની ટોચની બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુને વધુ એક વખત ફાઈનલની હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે. રિયો ઓલિમ્પિક, વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ, દુબઈ ફાઈનલ્સની ફાઈનલમાં સિલ્વર સફળતા મેળવી ચૂકેલી સિંધુ આજે ઈન્ડિયા ઓપન સુપર ૫૦૦ ટુર્નામેન્ટની ફાઈનલમાં પણ હારી ગઈ હતી. પાંચમો સીડ ધરાવતી અમેરિકાની બૈવેન ઝાંગે સિંધુને ૧૮-૨૧, ૨૧-૧૧, ૨૦-૨૨થી હરાવીને કારકિર્દીનું પ્રથમ મેજર ટાઈટલ જીત્યું હતુ. દિલ્હીના સિરિ ફોર્ટ કોમ્પલેક્સમાં રમાયેલી ફાઈનલમાં સિંધુએ જબરજસ્ત લડત આપી હતી, પણ તે અમેરિકાની યુવા ખેલાડીના આક્રમક સ્ટ્રોક્સની સામે ટકી શકી નહતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ સિંધુએ બીજી ગેમમાં જોરદાર પુનરાગમન કર્યું હતુ અને મેચને બરોબરી પર લાવી દીધી હતી. આખરી ેગેમમાં ખરાખરીના મુકાબલા બાદ નિર્ણાયક તબક્કે સિંધુને કરેલી ભૂલનો ફાયદો ઝાંગને મળ્યો હતો અને એક કલાક અને નવ મિનિટના સંઘર્ષ બાદ તે ચેમ્પિયન બની હતી. અગાઉ સિંધુએ સેમિ ફાઈનલમાં થાઈલેન્ડની હાઈપ્રોફાઈલ ખેલાડી ઈન્થાનોનને સીધી ગેમ્સમાં  ૨૧-૧૩, ૨૧-૧૫થી હરાવી હતી. સેમિ ફાઈનલમાંસિંધુને માત્ર ૪૮ મિનિટમાં વિજય મળ્યો હતો. જ્યારે અમેરિકાની બૈવેન ઝાંગે હોંગ કોંગની ચેઉંગ ગાન યી ને ૧૪-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૯થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
 

(5:25 pm IST)