Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અંતે લુકા મોડરિચ ફિફાનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયો

રોનાલ્ડો અને મેસ્સી જેવા ખેલાડીઓ પાછળ : ગ્રીસમેન ત્રીજા સ્થાને રહેતા આશ્ચર્યનું મોજુ ફેલાઇ ગયું

પેરિસ, તા. ૪ : ક્રોએશિયા અને રિયલ મેડ્રિડના સ્ટાર ખેલાડી લુકા મોડરિચે આ વખતે રોનાલ્ડો અને મેસ્સીને પાછળ છોડીને ફિફાના વર્ષ ૨૦૧૮ના સર્વશ્રેષ્ઠ ફુલબોલર તરીકેનો એવોર્ડ જીતી લીધો છે. છેલ્લા ૧૦ વર્ષથી આ એવોર્ડ પર રોનાલ્ડો અને મેસ્સીનો કબજો હતો પરંતુ આ વખતે રોનાલ્ડો બીજા અને ફ્રાંસ અને એન્ટેન્ટીકો મેડ્રિડના સ્ટ્રાઇકર ગ્રીસમેન ત્રીજા સ્થાન પર છે. પેરિસ સેન્ટ જર્મનના યુવા ફોરવર્ડ ખેલાડી એમ્બાપે ચોથા સ્થાને અને મેસ્સી પાંચમાં સ્થાને રહ્યો છે. ફ્રાંસના જ રાફેલ વરાને સાતમાં સ્થાને જ્યારે લિવરપુલના સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહ છઠ્ઠા સ્થાન પર રહ્યો છે. મોડરિચે જીત બાદ કહ્યું હતું કે, બાળપણથી જ અમારા તમામના સપના રહે છે. તેનું સપનું પણ મોટી ક્લબ માટે રમવાનું અને મોટા ટુર્નામેન્ટો જીતવાનું રહ્યું હતું. આ ટ્રોૅફી તેના માટે સપનાથી પણ વધારે છે. આને જીતીને તે ગર્વની લાગણી અનુભવ કરી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, આ ટ્રોફી તેના માટે અન્ય તમામ ઇનામ કરતા મોટી છે. એમ્બાપેને સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડીની કોપા ટ્રોફી મળી છે. પ્રથમ વખત મહિલા વર્ગમાં સર્વશ્રેષ્ઠ ફુટબોલરની જાહેરાત કરવામાં આવી છે જેમાં લિયોન અને નોર્વેના સ્ટાર ખેલાડી હેગેરબર્ગે બાજી મારી હતી. મોડરિચ  ચેમ્પિયન્સ લીગ જીતનાર રિયલ મેડ્રિડ ટીમનો હિસ્સો રહ્યો છે. ક્રોએશિયાની ટીમના તે સ્ટાર ખેલાડી તરીકે છે. હાલમાં જ વિશ્વકપ ફાઇનલમાં પહોંચીને ક્રોએશિયાએ ઇતિહાસ સર્જ્યો હતો. ક્રોએશિયાની ટીમ તરફથી તે ફાઇનલમાં રમ્યો હતો. ફાઈનલમાં તેની ફ્રાંસ સામે ૪-૨થી હાર થઇ હતી. રોનાલ્ડો અને મેસ્સી આ એવોર્ડ માટે પસંદ કરાયેલા ૩૦ ખેલાડીઓમાં સામેલ હતા. આના માટે દુનિયાભરના ૧૩૦ પત્રકારોએ મતદાનમાં ભાગ લીધો હતો અનેખેલાડીઓની પસંદગી કરી હતી.

(7:44 pm IST)