Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

હોકી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમને આર્જેટીનાએ 3-0 કરી પરાસ્ત

નવી દિલ્હી:રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ૩-૦થી શાનદાર વિજય મેળવી હોકી વર્લ્ડ કપના ગ્રૂપ એમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. આ જીતને કારણે આર્જેન્ટિનાના છ પોઇન્ટ થઈ ગયા છે અને સીધા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાનું આસાન બની ગયું છે.આર્જેન્ટિનાને પોતાની અંતિમ લીગ મેચમાં ફ્રાન્સ સામે ટકરાવાનું છે. ફ્રાન્સની ટીમ આર્જેન્ટિનાની સરખામણીએ નબળી હોવાથી અંતિમ મેચમાં પણ આર્જેન્ટિના વિજેતા બની શકે છે. જો તે પોતાની અંતિમ મેચ જીતે તો સીધો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે. આ હારને કારણે ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને રહી હતી.આર્જેન્ટિના અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનો પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિના તરફથી અગુસ્ટિન માઝિલીએ ફિલ્ડ ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં ૪૧મી મિનિટે લુકાસ વિલાએ ફિલ્ડ ગોલ કરતાં આર્જેન્ટિનાએ ૨-૦ની સરસાઈ મેળવી લીધી હતી. અંતિમ મિનિટોમાં આર્જેન્ટિનાને પેનલ્ટી કોર્નર મળ્યું હતું જેના પર લુકાસ માર્ટિનેઝે ૫૬મી મિનિટે ગોલ કરી ટીમને ૩-૦ની મજબૂત સરસાઈ અપાવી હતી. જેને અંત સુધી જાળવી રાખતાં મેચ જીતી લીધી હતી.ગ્રૂપ એની અન્ય એક મેચ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે યોજાઈ હતી જે ૧-૧થી ડ્રો રહી હતી. આ મેચમાં ફ્રાન્સે મેચની છઠ્ઠી મિનિટે ટિમોથી ક્લેમેન્ટના ફિલ્ડ ગોલની મદદથી ૧-૦ની લીડ મેળવી લીધી હતી. ફ્રાન્સે ત્યારબાદ બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં લીડ જાળવી રાખી હતી પરંતુ ચોથા ક્વાર્ટરમાં ૪૮મી મિનિટે સ્પેન તરફથી અલવારો ઇગ્લેસિયાસે ફિલ્ડ ગોલ કરી ટીમને ૧-૧ની બરાબરી અપાવી હતી જે મેચના અંત સમય સુધી જાળવી રાખતાં મેચ ડ્રો થઈ હતી.

(5:10 pm IST)