Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પહેલા પાંચ વર્ષમાં વિરાટના એકેય ૨૦૦-પ્લસ નહીં, પણ પછી ૧૬ મહિનામાં છ-છ ડબલ સેન્ચુરી

નવી દિલ્હી: વિરાટ કોહલીએ કમાલની તાકાત અને ટૅલન્ટથી ક્રિકેટજગતના બૅટ્સમેનોમાં ઇજારો સ્થાપિત કર્યો છે. અત્યારે વિશ્ર્વનો બીજો કોઈ બૅટ્સમૅન તેના જેટલો ફૉર્મમાં નથી. કોહલીની કમાલ એ છે કે તેણે ૨૦૧૧માં ટેસ્ટ-કરિયર શરૂ કર્યા પછી અંદાજે પાંચ વર્ષમાં (ડિસે. ૨૦૧૫ સુધી) એકેય વખત ડબલ સેન્ચુરી નહોતી ફટકારી, પરંતુ ત્યાર પછીના ૧૬ મહિનામાં કુલ છ ડબલ સેન્ચુરી (૨૦૦, ૨૧૧, ૨૩૫, ૨૦૪, ૨૧૩ અને ૨૪૩) નોંધાવી છે.

વિરાટે એક સિરીઝમાં બે ડબલ સેન્ચુરી બનાવવાના વિનુ માંકડના ભારતીય વિક્રમની બરાબરી પણ કરી છે. વિરાટે ગયા અઠવાડિયે નાગપુર ટેસ્ટમાં ૨૧૩ રન બનાવ્યા બાદ ગઈ કાલે ૨૪૩ રને તે આઉટ થયો હતો. માંકડે ૧૯૫૫માં ન્યૂ ઝીલૅન્ડ સામેની શ્રેણીમાં બે ડબલ સેન્ચુરી (૨૨૩, ૨૩૧) ફટકારી હતી.

કોહલીએ કુલ ૧૪ વખત પોતાના અગાઉના સર્વશ્રેષ્ઠ સ્કોરને પાર કર્યો છે અને એવું કરનાર તે વિશ્ર્વનો પ્રથમ ખેલાડી છે. તેના કુલ ૧૪ નવા સર્વશ્રેષ્ઠ સ્કોર્સ આ મુજબ છે: ૧૫, ૨૭, ૩૦, ૫૨, ૬૩, ૭૫, ૧૧૬, ૧૧૯, ૧૪૧, ૧૬૯, ૨૦૦, ૨૧૧, ૨૩૫ અને ૨૪૩.
રેકૉર્ડમાં વેન્ગસરકર પોતાના ૧૧ નવા શ્રેષ્ઠ સ્કોર્સ સાથે વિશ્ર્વમાં બીજા સ્થાને છે. મુશ્તાક એહમદ ત્રીજે અને ડેમિયન માર્ટીન ચોથે છે.

 

(9:12 am IST)