Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

આઇપીએલ ક્રિકેટ મેચમાં મુંબઇ ઇન્‍ડિયન્‍સ પાસે સતત બીજી વખત ખિતાબ જીવાનો મોકો

દુબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ પોતાના અંતિમ તબક્કામાં પહોચી ગઇ છે. IPL 2020નો લીગ રાઉન્ડ પૂર્ણ થઇ ગયો છે અને પ્લે ઓફ માટેની ચાર ટીમ નક્કી થઇ ગઇ છે. પ્લે ઓફમાં પહોચનારી ચાર ટીમ મુંબઇ ઇન્ડિયન, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ. જેમાંથી મુંબઇ ઇન્ડિયન્સ સૌથી વધુ ચાર વખત IPLનો ખિતાબ જીતી ચુકી છે જ્યારે હૈદરાબાદ 2 વખત (એક વખત ડેક્કન ચાર્જસ હૈદરાબાદ અને એક વખત સનરાઇઝર્સ હૈદરાબાદ) જીતી ચુકી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ એક પણ વખત આઇપીએલનો ખિતાબ જીતી શકી નથી.

ક્યારે રમાશે પ્લે ઓફ મુકાબલા?

5 નવેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર રાઉન્ડ રમાશે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે એલિમિનેટર મુકાબલો 6 નવેમ્બરે રમાશે. આ સિવાય ક્વોલિફાયર 2 મુકાબલો 8 નવેમ્બરે રમાશે. જ્યારે IPL 2020ની ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે.

મુંબઇ ઇન્ડિયન્સ પાસે સતત બીજી વખત ખિતાબ જીતવાની તક

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે ગત સીઝનના ફોર્મને આ સીઝનમાં પણ યથાવત રાખ્યુ છે. ચેન્નાઇ વિરૂદ્ધ સીઝનની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમે જોરદાર વાપસી કરી હતી અને સતત બીજી વખત પ્લે ઓફમાં જગ્યા બનાવી છે. આ ટીમ આ સીઝનમાં ઘણી બેલેંસ્ડ જોવા મળી છે.

ટીમના બેટ્સમેન અને બોલર્સે મહત્વના પ્રસંગે પોતાના દમ પર ટીમને જીત અપાવી છે. મુંબઇ ઇન્ડિયન્સના 3 બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ 400થી વધુ રન બનાવી ચુક્યા છે. જ્યારે ટીમના 3 બોલર્સ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ટોપ-10માં સામેલ છે. મુંબઇ ઇન્ડિયન્સે સૌથી વધુ 4 વખત (2013,2015,2017,2019) ખિતાબ જીત્યો છે.

દિલ્હીની ટીમ સતત બીજી વખત પ્લે-ઓફમાં પહોચી

દિલ્હી કેપિટલ્સે સીઝનની શરૂઆતમાં કેટલાક સારા બદલાવ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ શિખર ધવન અને અજિંક્ય રહાણે જેવા બેટ્સમેનોને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આર.અશ્વિન જેવા સ્પિનરને ટીમ સાથે જોડ્યો હતો. સીઝનમાં 19 વિકેટ ઝડપી ચુકેલા એનરિચ નોર્તજેને પણ ક્રિસ વોક્સના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય યોગ્ય સાબિત થયા હતા.

બોલિંગના દમ પર દિલ્હીએ સીઝનમાં 6 વખત ટાર્ગેટ ડિફેન્ટ કર્યો હતો. દિલ્હીએ સતત બીજી વખત પ્લે ઓફમાં જગ્યા બનાવી છે. ગત વખતે ક્વોલિફાયર-2માં તેને ચેન્નાઇ સુપરકિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરબાદ સતત 5મી વખત પ્લે ઓફમાં પહોચી

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 2016 બાદથી સતત 5મી વખત પ્લે ઓફમાં પહોચી છે. ટીમે બે વખત (2009,2016)માં ખિતાબ જીતી ચુકી છે. ટૂર્નામેન્ટમાં શરૂઆતના પ્રવાસમાં બાદ ટીમે શાનદાર કમબેક કર્યુ હતું અને અંતિમ 3 મેચ જીતી સારા નેટ રન રેટને કારણે પ્લે ઓફમાં જગ્યા બનાવી હતી.

આ સીઝનમાં ટીમ બેલેન્સ્ડ જોવા મળી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરની આગેવાનીમાં બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન કર્યુ. વોર્નરે 500, મનીષ પાંડે અને બેરિસ્ટોએ ટૂર્નામેન્ટમાં 300થી વધુ રન બનાવ્યા છે. જ્યારે રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી નટરાજને ટીમને ભૂવનેશ્વર કુમારની કમી પડવા દીધી નહતી. ભૂવનેશ્વર કુમાર ઇજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલા મિશેલ માર્શની જગ્યાએ ટીમમાં આવેલા જેસન હોલ્ડર (5 મેચ,10 વિકેટ) પોતાના ઓલ રાઉન્ડ પ્રદર્શનથી ટીમને અંતિમ-4માં પહોચાડ્યુ હતું.

2016 પછી પ્રથમ વખત RCBને ટોપ-4માં જગ્યા બનાવી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પાસે પ્રથમ વખત ખિતાબ જીતવાની તક છે. એક્સપીરિયન્સ અને યુવા ખેલાડીઓના સારા પ્રદર્શનને કારણે ટીમ પ્લે ઓફમાં પહોચવામાં સફળ રહી છે. પ્રથમ વખત IPL રમી રહેલા દેવદત પડ્ડિકલે ટીમ તરફથી સૌથી વધુ 472 રન બનાવ્યા છે. યુઝવેન્દ્ર ચહલ (20 વિકેટ) સીઝનના ટોપ-5 બોલર્સની યાદીમાં એકમાત્ર સ્પિનર છે.

ટીમના કેપ્ટન વિરાટ કોહલી (460 રન) અને એબીડી વિલિયર્સ (398 રન) કેટલીક તકો પર ટીમે જીત સુધી પહોચાડી છે. RCBએ કુલ 4 (2009,2011,2015,2016) પ્લે-ઓફમાં જગ્યા બનાવી છે અને 3 વખત ફાઇનલ રમી છે.

(5:24 pm IST)