Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

આજથી વિમેન્સ ટી-૨૦ ચેલેન્જ ટ્રોફીઃ સુપરનોવાઝ ફેવરીટ

સુપરનોવાઝ, વેલોસીટી અને ટ્રેલબ્લેઝર્સ એમ ત્રણ ટીમો વચ્ચે ચાર મેચ રમાશેઃ ૯મીએ ફાઈનલઃ શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડની ટીમના ખેલાડીઓ પણ ભાગ લેશે

દુબઈ, તા.૪: ભારતીય મહિલા ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ઉપરાંત ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ વચ્ચે આજથી ત્રીજી મહિલા ટી-૨૦ ચેલેન્જ ટ્રોફી રમાશે. આ ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમાશે જેમાં ત્રણ ટીમ હાલની ચેમ્પિયન સુપરનોવાઝ, પાછલા વર્ષની રનર્સઅપ વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સ ભાગ લેશે. આ ત્રણેય ટીમો એકબીજા સાથે ટકરાશે અને ત્યારપછી નવ નવેમ્બરે તેનો ફાઈનલ મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પણ ભાગ લેશે. ટૂર્નામેન્ટના ચારેય મુકાબલા શારજાહમાં સાંજે ૭ૅં૩૦ વાગ્યાથી રમાશે.

હરમનપ્રીત કોરની આગેવાનીવાળી સુપરનોવાઝે અત્યાર સુધી પાછલી બન્ને ટૂર્નામેન્ટમાં પોતાના તમામ મેચ જીત્યા છે. તે પોતાના અભિયાનની શરૂઆત મિતાલી રાજની આગેવાનીવાળી વેલોસિટી ટીમ વિરુદ્ઘ કરશે અને તેની નજર ખિતાબી હેટ્રિક ફટકારવા તરફ હશે. હરમનપ્રીત પાછલી ટૂર્નામેન્ટમાં જોરદાર ફોર્મમાં હતી. તેણે ત્રણ મેચમાંથી બે મેચમાં અર્ધસદી ફટકારી હતી. ફાઈનલમાં તેની ૩૭ બોલમાં રમેલી ૫૧ રનની ઈનિંગ જીત માટે માઈલસ્ટોન સાબિત થઈ હતી.

ભારતની ટી-૨૦ કેપ્ટન પોતાના શાનદાર ફોર્મમાં પરત આવવાની કોશિશ કરશે. હરમનપ્રીતે પાંચ મેચમાં ૬ રનની સરેરાશથી રન બનાવ્યા હતા જેનું નુકસાન ભારતીય ટીમે ભોગવવું પડ્યું હતું. હરમનપ્રીત ઉપરાંત જેમિમા રોડ્રિગ્સ ઉપર પણ સૌની નજર ટકી રહેશે. પાછલા સત્રમાં મુંબઈની આ ક્રિકેટરે સૌથી વધુ ૧૨૩ રન બનાવ્યા હતા.

બીજી બાજુ મીતાલી રાજ પણ દમખમ બતાવવા સજ્જ છે. પાછલા વર્ષે અંતિમ ઓવરમાં ચાર વિકેટ ગુમાવવાને કારણે તેની ટીમને હાર જોવી પડી હતી અને હવે તેની ટીમ હિસાબ ચૂકતે કરવા મેદાને ઉતરશે. વેલોસિટીનો દારોમદાર ઘણે અંશે ૧૬ વર્ષીય શેફાલી શર્મા ઉપર પણ રહેશે જેણે ટી-૨૦ વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા લગાવ્યા હતા. તમામ ખેલાડી કોવિડ-૧૯ને કારણે ફેબ્રુઆરી-માર્ચમાં મહિલા વિશ્વ ટી-૨૦ બાદ પહેલી વખત મેદાન ઉપર દેખાશે.

(2:48 pm IST)