Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

હું મારી ધારણાઓ જાતે બનાવુ છું : સૌરવ ગાંગુલી

કલકત્તા : ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસીડેન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીની જવાબદારી વધી જાય એ વાત સ્વાભાવિક છે. એવામાં પહેલી ડે એન્ડ નાઈટ ટેસ્ટ માટે ગાંગુલીની નવી ટીમ રાત - દિવસ મહેનત કરી રહી છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં પોતાની સફળતા અને કાર્યપ્રણાલી વિશે વાત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યુ હતું કે હું મારી ધારણાઓ જાતે જ બાંધુ છું.

વાસ્તવમાં એક કાર્યક્રમ દરમિયાન વાત કરતા ગાંગુલીએ કહ્યુ હતું કે મને મારા ધૈર્યવાન સ્વભાવને કારણે ઘણી મદદ મળી છે. આ સ્વભાવ મેચમાં રમતી વખતે મેં કેળવ્યો હતો જે મને આજે મદદરૂપ થાય છે. મને જે પણ વસ્તુ મળે છે. એમાં સંતુષ્ટ થઈ એની સાથે એડજસ્ટ થતા મને આવડે છે. મારી જિંદગી પાસેથી હું એક વસ્તુ શીખ્યો છું અને એ છે મારી પોતાની ધારણાઓ, જે હું જાતે જ બાંધુ છું. મારી આ ધારણાઓ કોઈ બીજાની ધારણાઓ વડે નથી બંધાતી.

તાજેતરમાં બેંગ્લોરમાં રાહુલ દ્રવિડને મળવા પહોંચેલા ગાંગુલીને એરપોર્ટ પર ચાહકોએ આવકાર્યો હતો જેના વિશે પણ તેણે વાત કરતા કહ્યુ હતું કે એક કેપ્ટન તરીકે મારા પણ કેટલાક આઇડિયા હોય છે જે કેટલાકને ગમે છે તો કેટલાકને નથી ગમતા. તમે જયારે નિર્ણય લો છો તો એ પણ કેટલાકને ગમે છે અને કેટલાકને નથી ગમતા. આ જ તો જીવન છે. તમારે જયારે જે કામ કરવાનુ છે એ કરી જ લેવુ જોઈએ.

 

(1:05 pm IST)