Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

છેલ્લા ૩ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી ન થતા હરભજનસિંહ નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી શકે છે. પાછલા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી હરભજન ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. હાલમાં તેના સાથે યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભજ્જી ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

ભારતીય ક્રિકેટના ધુરંધર સ્પિનરોમાંથી એક હરભજન સિંહ સતત ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનાર હરભજન આ દિવસોમાં ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમી રહ્યો નથી. તેવામાં તે ક્રિકેટમાંથી નિવૃતી લેશે તેવી અટકળો સામે આવી છે. તેની પાછળનું કારણ ઈંગ્લેન્ડમાં પ્રથમવાર શરૂ થઈ રહેલા 100 બોલ ક્રિકેટને માનવામાં આવી રહ્યું છે.

એવી માહિતી મળી રહી છે કે, હરભજનને ઈંગ્લેન્ડમાં પ્રથમવાર શરૂ થઈ રહેલા 100 બોલ ક્રિકેટના ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 1 લાખ પાઉન્ડ છે અને તે ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળી શકે છે. પરંતુ બીસીસીઆઈ તરફથી ભારતીય ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની મંજૂરી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ યુવરાજ સિંહ બીસીસીઆઈની મંજૂરી લઈને કેનેડા ગ્લોબલ ટી20 લીગમાં રમવા પહોંચ્યો હતો.

હરભજને છેલ્લે માર્ચ 2016મા ભારત તરફથી ટી20 મેચ રમી હતી. ત્યારબાદ તેને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. ભારત માટે હરભજને 103 ટેસ્ટ રમીને કુલ 417 વિકેટ હાસિલ કરી છે, જ્યારે 236 વનડેમાં તેના નામે 269 વિકેટ છે.

હરભજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1998મા ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું, જ્યારે વનડેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તે વર્ષે પ્રથમ મેચ રમી હતી. આફ્રિકા વિરુદ્ધ ભજ્જીએ 2006મા ટી20 પર્દાપણ કર્યું હતું. છેલ્લે વર્ષ 2016મા યૂએઈ વિરુદ્ધ ભજ્જી ભારત માટે મેદાનમાં ઉતર્યો હતો. 

(5:16 pm IST)