Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના બે વર્ષના પુત્રને યુકે સરકારે આપ્યા વિઝા: રમતગમત પ્રધાન કિરેન રિજિજુનો માન્યો આભાર

નવી દિલ્હી: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના બે વર્ષના પુત્રને યુનાઇટેડ કિંગડમ દ્વારા વિઝા આપવામાં આવ્યો છે. સાનિયા હવે ટૂંક સમયમાં ગ્રાસ કોર્ટ સીઝન માટે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. છ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન 6 જૂનથી ડબ્લ્યુટીએ 250 ના નોટિંગહામ ઓપનમાં તેની ગ્રાસ કોર્ટ સિઝન શરૂ કરવાની હતી. જો કે, વિઝા મળવામાં મોડું થવાને કારણે તે હવે આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. સાનિયાએ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી 10 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે. સાનિયા 14 જૂનથી બર્મિંગહામ ઓપનમાં ભાગ લેશે. ત્યારબાદ તે 20 જૂનથી ઇસ્ટબોર્ન ઓપનમાં અને 28 જૂનથી વિમ્બલ્ડન ભાગ લેશે. ટોક્યો ઓલિમ્પિકની તૈયારીમાં સાનિયાને આ ટૂર્નામેન્ટનો ફાયદો થશે. સાનિયાએ રમતના પ્રધાન કિરેન રિજિજુ, ભારતીય વિદેશ મંત્રાલયને તેમના પુત્રને વિઝા મળ્યા બાદ ટ્વીટ કરીને આભાર માન્યો. સાનિયાએ ટ્વીટ કર્યું, "હું મારા પુત્ર ઇઝાન અને મારી બહેનને મારી સાથે યુકે પ્રવાસ માટે વિઝા મેળવવામાં મદદ કરવા બદલ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ, યુએઈ અને યુકેમાં ભારતીય દૂતાવાસ, એસઆઈ અને બ્રિટિશ સરકારનો આભાર માનું છું."

(5:27 pm IST)