Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મેં ત્રણ વાર આત્મહત્યાનો વિચાર કરેલો

મોહમ્મદ શમીનો ચોંકાવનારો ખુલાસો : મને મારા પરિવારમાંથી સપોર્ટ મળ્યો ન હોત તો મેં મારૂ જીવન ટૂંકાવી નાખ્યું હોતઃ ગત વર્લ્ડકપમાં હેટ્રીક પણ લીધી હતી

નવી દિલ્હી :  ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં એક ખુલાસો કરીને સૌકોઈને અચંબિત કરી દીધા હતા. શમીએ કહ્યું કે તેણે એક નહીં, પણ ત્રણ વાર આત્મહત્યાનો વિચાર કર્યો હતો. વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ કપ બાદ પોતાના વ્યકિતગત જીવનમાં બનેલી ઘટનાઓને લીધે તેને આ પ્રકારનો વિચાર આવ્યો હતો.

સોશ્યલ મીડિયા પર રોહિત શર્મા સાથે વાત કરતાં શમીએ કહ્યું કે '૨૦૧૫ વર્લ્ડ કપમાં હું સખત ઈન્જર્ડ થયો હતો અને એના બાદ ૧૮ મહિને હું ટીમમાં કમબેક કરી શકયો હતો. મારા જીવનનો એ સૌથી કપરો સમય હતો. આઇપીએલના ૧૦-૧૨ દિવસ પહેલાં પારિવારિક સમસ્યાઓ જન્મી અને મીડિયામાં પણ મારા વ્યકિતગત જીવન વિશે છપાવા લાગ્યું. જો મને મારા પરિવાર પાસેથી સપોટ ન મળ્યો હોત તો કદાચ મેં મારૃં જીવન ટૂંકાવી દીધું હોત. મેં ત્રણ વાર આત્મહત્યાનો વિચાર પણ કરેલો. મારા ઘરમાંથી પણ કોઈને કોઈ મારા પર નજર રાખ્યા કરતું. મારૃં ઘર ૨૪મા માળે હતું અને મારા પરિવારજનોને ડર હતો કે કયાંક હું જમ્પ મારીને આત્મહત્યા તો નહીં કરી લઉં, પણ મારા પરિવારજનો મારી સાથે હતા અને એ જ માર માટે સૌથી મહત્ત્વનું હતું. તે લોકો મને હંમેશાં કહેતા કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે, તું તારી ગેમ પર ધ્યાન આપ. તું જેમાં સારો છે એમાં ધ્યાન આપ અને મેં નેટમાં પ્રેકિટસ કરવાની ચાલુ કરી. હું રનિંગ એકસરસાઇઝ કરતો હતો, પણ મને એ ખબર નહોતી કે હું આ બધું શા માટે કરૃં છું. પ્રેકિટસ કર્યા પછી હું ઉદાસ થઈ જતો ત્યારે મારો ભાઈ અને કેટલાક દોસ્તારો આવીને મને મારી ગેમ પર ધ્યાન આપવા માટે કહ્યા કરતા. જો તે લોકોનો સપોર્ટ ન હોત તો આજે હું અહીં ન હોત.'

નોંધનીય છે કે ૨૦૧૯ના વર્લ કપમાં મોહમ્મદ શમીએ ભારતીય ટીમની બોલિંગ કમાન સારી રીતે સંભાળી હતી અને વર્લ્ડ કપમાં હેટ-ટ્રિક લેનારો તે બીજો ભારતીય પ્લેયર બન્યો હતો.

(2:58 pm IST)