Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વર્લ્ડ કપમાં ધોનીની બેટિંગને લઈને ગાવસ્કરે આપી સલાહ

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરનું માનવું છે કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના અભિયાનમાં મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે. ગાવસ્કરે જણાવ્યું હતું કે ભારત પાસે ટોચના ક્રમમાં ત્રણ શાનદાર બેટ્સમેનો છે જેઓ લાંબી ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે. જો તેઓ પ્રારંભિક ઓવર્સમાં આઉટ થઇ જાય તો ધોની ચોથા કે પાંચમા ક્રમાંકે મોટો ફરક પાડી શકે છે. ગાવસ્કરે જણાવ્યું હતું કે સ્ટમ્પ પાછળ આપણે ધોનીની ક્ષમતાને જોઇ છે પરંતુ સ્ટમ્પ પાછળથી તે સ્પિનર્સ તથા બીજા બોલર્સને ક્યાં બોલ નાખવાના છે અને તેને અનુસાર કેવી રીતે ફિલ્ડિંગ ગોઠવવી જોઇએ તેનું માર્ગદર્શન આપે છે. વિરાટ કોહલી લોંગ ઓન કે લોંગ ઓફ ઉપરથી સ્ક્વેર લેગનો ફિલ્ડરનું સ્થાન બદલાઇ ગયું છે તે જોઇ શકતો નથી. ધોની ચોક્કસપણે કોહલીના સમર્થન બાદ ફિલ્ડિંગમાં ફેરફાર કરે છે. ધોની ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે અને તેનો અનુભવ ભારત માટે લાભદાયી બની રહેશે.હાલમાં કોમેન્ટેટરની ભૂમિકા અદા કરતા સુનીલ ગાવસ્કરે નવી દિલ્હીની નજીક આવેલા સત્ય સાઇ સંજીવની ઇન્ટરનેશનલ ચાઇલ્ડ કેર સેન્ટરના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી અને ગાવસ્કરે પોતાની સદી જેટલા જ ૩૪ બાળદર્દીઓની હાર્ટ સર્જરીનો ખર્ચ જાતે ઉઠાવવાની જાહેરાત કરી હતી.

(6:10 pm IST)