Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઈટાલી નવા ફોર્મેટમાં રમાઈ રહેલા ડેવિસ કપની વર્લ્ડ ફાઈનલ્સમાં પ્રવેશ્યું

નવી દિલ્હી: ડેવિસ કપ ક્વોલિફાયર્સમાં ઘરઆંગણે રમી રહેલા ભારતનો ઈટાલી સામે ૧-૩થી પરાજય થયો હતો. અનુભવ અને રેન્કિંગની રીતે ભારત કરતાં ચડિયાતા ઈટાલીને જીતવા માટે ફેવરિટ મનાતું હતુ. પ્રવાસી ટીમે પહેલા જ દિવસે બંને સિંગલ્સ જીતીને ૨-૦થી પ્રભુત્વ સાબિત કર્યું હતુ. આજે બીજા દિવસે રમાયેલા ડબલ્સ રબરમાં ભારતના રોહન બોપન્ના અને દિવિજ શરનની જોડીએ ઈટાલીના સિમોન બોલેલી અને માટેઓ બારેટ્ટીનીને ૪-૬, ૬-૩, ૬-૪થી હરાવતા જીતની આશા જન્માવી હતી. જોકે પ્રથમ રિવર્સ સિંગલ્સમાં ઈટાલીના એન્ડ્રેસ સેપ્પીએ ભારતના નંબર વન ખેલાડી ગુનાસ્વરનને ૬-૧, ૬-૪થી હરાવતા  ટીમને ૩-૧થી વિજય અપાવ્યો હતો. આ જીતની સાથે ઈટાલી નવા ફોર્મેટમાં રમાઈ રહેલા ડેવિસ કપની વર્લ્ડ ફાઈનલ્સમાં પ્રવેશ્યું છે. જ્યારે ભારત ઝોનલ ગૂ્રપમાં પાછુ ધકેલાયું છે, જેના મુકાબલા ચાલુ વર્ષે જ રમાવાના છે. વર્લ્ડ રેન્કિંગમાં ૧૯મો ક્રમાંક ધરાવતા ભારતના ખેલાડીઓ ઘરઆંગણાના કોર્ટ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. નોંધપાત્ર છે કે, ઈટાલીની ટીમમાં ત્રણ ખેલાડીઓ હાલના આંતરરાષ્ટ્રીય ટેનિસના રેન્કિંગમાં ટોપ ૬૦મા સ્થાન ધરાવે છે. જ્યારે ભારતની ટીમનો એક પણ ખેલાડી ટોપ-૧૦૦માં પણ નથી. ભારતનો ઈટાલી સામે છઠ્ઠા મુકાબલામાં પાંચમો પરાજય છે. ભારતે ઈટાલીને એકમાત્ર વખત ૧૯૮૫માં આ જ ટેનિસ કોર્ટ પર હરાવ્યું હતુ. જોકે તે સિવાય ભારત હારતું રહ્યું છે. 

(5:46 pm IST)