Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સ્વિંગના કિંગ સ્ટાર ઇરફાન પઠાનની ક્રિકેટમાંથી નિવૃતિ

પાકિસ્તાન સામે ટેસ્ટ મેચમાં હેટ્રીક લીધી હતી : ઇરફાન પઠાન એક સમય બેટ્સમેન માટે માથાનો દુખાવો હતો

નવી દિલ્હી, તા. ૪ : ભારતીય ક્રિકેટરોમાં સ્વિંગના કિંગ તરીકે ઓળખાતા ઇરફાન પઠાને આજે ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. નિવૃતિની જાહેરાત કરતા ઇરફાન પઠાને કહ્યું હતું કે, આજે તે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત થઈ રહ્યો છે. તેના માટે આ ભાવિક પળો છે. પોતાને પ્રેમને છોડી રહ્યો છે. ઇરફાને કહ્યું હતું કે, આ પળ દરેક ખિલાડીની લાઈફમાં આવે છે. નાની જગ્યાએથી હોવા છતાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા મહાન ખેલાડી સાથે રમવાની તક મળી હતી. જે તેના માટે ગર્વ સન્માન છે. તેનું કહેવુ છે કે, તમામ સાથીઓ, કોચ અને સ્ટાફ તરફથી સહકાર મળ્યો હતો. તેનું કહેવુ છે કે, નિવૃતિની જાહેરાત લાંબા ગાળા બાદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમની કેપ પહેંરી ત્યારે તેના માટે સૌથી મોટી સિદ્ધિ સન્માન હતી. પાકિસ્તાનની સામે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રીક લેનાર આ ખેલાડીએ એક સમય બેટ્સમેનો માટે દહેશત જગાવી હતી.

        બોલને બંને બાજુએ સ્વિંગ કરવામાં તેની કુશળતા હતી અને તેના મુખ્ય હથિયાર તરીકે હતો. ઇરફાન પઠાને છેલ્લી સિઝન રણજી રમી હતી. જમ્મુ કાશ્મીર માટે ઇરફાને મેચો રમી હતી. આ મેચમાં ૧૦ રન બનાવીને બે વિકેટ લીધી હતી. ટેસ્ટ કરિયરની વાત કરવામાં આવે તો ઇરફાન પઠાને ૨૯ ટેસ્ટ મેચોમાં ૩૧મી સરેરાશ સાથે ૧૦૦૫ રન કર્યા હતા. જેમાં એક સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. તેના નામ ઉપર ૧૦૦ વિકેટ પણ છે. શ્રેષ્ઠ બોલિંગ ૫૯ રન આપીને ૭ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં ઇરફાને બે વખત ૧૦ કે તેનાથી  વધુ વિકેટ ઝડપી હતી. સાત વખત પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર ૨૦૦૩માં રમી હતી. જ્યારે છેલ્લી મેચ એપ્રિલ ૨૦૦૮માં રમી હતી. વનડે કરિયરમાં ઇરફાને ૧૨૦ મેચો રમી હતી અને ૧૫૪૪ રન કર્યા હતા. તેના નામ ઉપર પાંચ અડધી સદી છે. જ્યારે ૧૭૩ વિકેટો પણ લીધી હતી. બીજી બાજુ ટી-૨૦ ફોરમેટમાં ઇરફાને ૨૪ મેચમાં ૧૭૨ રન કર્યા હતા અને ૨૮ વિકેટ ઝડપી હતી. વનડેમાં પ્રથમ મેચ ૨૦૦૪માં અને છેલ્લી મેચ ૨૦૧૨માં શ્રીલંકા સામે રમી હતી. આઈપીએલમાં પણ તેનો દેખાવ સારો રહ્યો છે. આઈપીએલમાં ૧૦૩ મેચમાં ૮૦ વિકેટ ઝડપી હતી. ઇરફાને વડોદરામાં લાંબા સમય સુધી ક્રિકેટ રમી તમામનું ધ્યાન ખેચ્યુ હતું. વડોદરામાં ૨૭મી ઓક્ટોેબર ૧૯૮૪ના દિવસે ઇરફાનનો જન્મ થયો હતો.

ઇરફાન પ્રોફાઇલ.......

નામ................................................ ઇરફાન પઠાન

જન્મ તારીખ........................ ૨૭ ઓક્ટોબર ૧૯૮૪

હાલની વય..................................................... ૩૫

જન્મ સ્થળ................................. વડોદરા, ગુજરાત

નિક નેમ......................................................... ગુડુ

હાઇટ........................................................... ૬ ફુટ

બેટિંગ........................................................ ડાબેથી

બોલિંગ................................................. લેફ્ટ આર્મ

રોલ................................................ આલ રાઉન્ડર

ટેસ્ટ પ્રવેશ................................................. ૨૦૦૩

વનડે પ્રવેશ................................................ ૨૦૦૪

ટી-૨૦ પ્રવેશ.............................................. ૨૦૦૬

ટેસ્ટ મેચોમાં રન................................ ૧૧૦૫ (૨૯)

વનડે રન....................................... ૧૫૪૪ (૧૨૦)

ટેસ્ટ સદી- અડધી સદી................................... ૧-૭

વનડેમાં અડધી સદી.......................................... ૫

ટેસ્ટમાં વિકેટ................................................ ૧૦૦

વનડેમાં વિકેટ............................................... ૧૭૩

 

(9:54 pm IST)