Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અગ્રવાલની સદીથી ભારત પ્રથમ ઈનિંગ્સમાં ૪/૨૨૧

પ્રવાસી ન્યૂજીલેન્ડ સામે ભારતની મજબૂત શરૃઆત : ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા-ઈશાન શર્મા ઈજાને કારણે મેચ રમી રહ્યા નથી

મુંબઈ, તા.૩ : ભારત અને ન્યૂઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડ સ્ટેડિયમમાં બીજી મેચના પ્રથમ દિવસે ભારતે ૪ વિકેટના નુકસાન પર ૨૨૧ રન બનાવ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જો કે, ભારતની શરૃઆત સારી થઈ ન હતી. ૮૦ રનો ઉપર ભારતની ૩ વિકેટ પડી ચૂકી હતી. જેમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા ૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યાં હતા. જો કે વિરાટ કોહલીને એલબીડબલ્યુ આઉટના અમ્પાયરના નિર્ણય પર ભારે વિવાદ ઉભો થયો છે. ન્યૂઝીલેન્ડ તરફથી એઝાઝ પટેલે શાનદાર બોલિંગ કરતાં ૪ વિકેટ ઝડપી હતી. જો કે પ્રથમ દિવસે ઓપનર મયંક અગ્રવાલે સદી ફટકારીને ભારતીય ટીમને સંભાળી હતી.

દિવસે ભારતીય ટીમના ઓપનર મયંક અગ્રવાલે ફરીથી એકવાર પોતાની કાબેલિયતનો પુરાવો આપ્યો હતો. અને ટોપ ઓર્ડર ધરાશાયી થયા બાદ પણ મયંક અગ્રવાલે ભારે દબાણ વચ્ચે પણ બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. અને તે હાલ ૨૪૬ બોલ પર ૧૨૦ રનો બનાવીને બેટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી પણ આજે સ્કોર કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. આજના દિવસે એક સમયે ૮૦ રનો પર ૩ વિકેટ હતી, જ્યારે ૧૬૦ રનો પર ૪ વિકેટ હતી.

કાનપુર ટેસ્ટમાં ફેઈલ થયેલ મયંક અગ્રવાલે વાનખેડે ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત તેણે શ્રેયસ ઐય્યર અને રિદ્ધિમાન સાહા સાથે ૫૦ રનોની પાર્ટનરશિપ પણ કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમના શુભમન ગિલે ૪૪ રન, પુજારા તેમજ વિરાટ કોહલી ૦  રન પર આઉટ થઈ ગયા હતા. જ્યારે શ્રેયસ ઐય્યર પણ ૧૮ રનો બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા અને ઈશાન શર્મા ઈજાને કારણે મેચ રમી રહ્યા નથી, આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના કેપટન કેન વિલિયમસન પણ ઈજાને કારણે બાહાર થઈ ચૂક્યો છે. મયંક અગ્રવાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ચોથી સદી ફટકારી હતી. જો કે, આજે કોહલી અને પુજારાએ ભારતીય ફેન્સને નિરાશ કર્યાં હતા. પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી મયંક અગ્રવાલ અને રિદ્ધિમાન સાહા ક્રિઝ પર છે. સાહા (અણનમ ૨૫ રન) અને મયંક વચ્ચે ૬૧ રનોની પાર્ટનરશિપ થઈ ચૂકી છે.

બીજા દિવસે કિવી ટીમ ભારતીય ટીમની વિકેટો લેવાનો પ્રયાસ કરશે, તો ભારતીય ટીમ તરફથી મયંક અગ્રવાલ ડબલ સેન્ચુરીના શાનદાર રેકોર્ડ તરફ પોતાની નજર દોડાવશે.

(7:43 pm IST)