Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભારત વન-ડે શ્રેણીની હારનો હિસાબ સરભર કરવા ઊતરશે

ઓસ્ટ્રેલિયા સામે આજે ઓવલ પર પ્રથમ ટી૨૦ : અનેક વિકલ્પોથી સભર ટીમ ઈન્ડિયા યજમાન ટીમને રમતની સૌથી ટૂંકી ફોર્મેટમાં પડકાર આપવા માટે સક્ષમ

કેનબેરા, તા. ૩ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ મેચની શ્રેણીની પહેલી ટી ૨૦ શુક્રવારે કેનબરાના માનુકા ઓવલ મેદાન પર રમાશે. વિરાટ કોહલીની ટીમ ટી ૨૦ સીરીઝ જીતીને વન ડે સિરીઝમાં થયેલા પરાજયનો હિસાબ સરભર કરવા માગશે. ટીમ ઈન્ડિયા વિકલ્પોથી ભરેલી છે. આવી સ્થિતિમાં, તે ક્રિકેટની સૌથી ટૂંકી ફોર્મેટમાં યજમાન ટીમને સખત પડકાર આપી શકે છે. ઓસ્ટ્રેલિયાએ વનડે સિરીઝમાં ભારતને ૨-૧થી હરાવ્યું હતું. વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર વોશિંગ્ટન નટરાજન, દીપક ચહર અને ટી નટરાજન બોલિંગને સંતુલન આપશે. આઈપીએલ ૨૦૨૦ માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી સુંદરએ શાનદાર પ્રદર્શન કર્યું કે જ્યારે સુકાની વિરાટ કોહલીએ તેનો ઉપયોગ પાવરપ્લેમાં અને મિડલ ઓવરમાં કર્યો હતો.

હાર્દિક પંડ્યા નિયમિત બોલિંગ કરી રહ્યો નથી. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા વનડે ટીમમાં એકમાત્ર નિષ્ણાત ઓલરાઉન્ડર હતો. જોકે, ટી ૨૦ માં સુંદરની સાથે કાર્તિક નાના સ્પેલ નાખી શકે છે. આઈપીએલની શોધ, યોર્કર નિષ્ણાત નટરાજન શુક્રવારે ટી ૨૦ ક્રિકેટમાં પ્રવેશ કરી શકે છે, જેણે પ્રથમ વનડેમાં બે વિકેટથી પ્રભાવિત કર્યા હતા. માનુકા ઓવલની પિચ સ્પિનરો અને ઝડપી બોલરો બંનેને મદદ કરે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં જોવાનું એ છે કે જસપ્રિત બુમરાહ સાથે મોહમ્મદ શમી અથવા દીપક ચહરમાંથી કોણ બોલિંગ શરૂ કરે છે. વનડેમાં નિષ્ફળ ગયેલો યુઝવેન્દ્ર ચહલ પણ વાપસીનો પ્રયાસ કરશે.

બેટિંગમાં કે.એલ. રાહુલ વનડેમાં પાંચમાં ક્રમે ઉતર્યા બાદ શિખર ધવન સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. તેણે ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ્સની શરૂઆત પણ કરી હતી. તે આઈપીએલનું ફોર્મ જાળવી રાખે તેવી અપેક્ષા છે જેમાં તેણે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. સુકાની કોહલી વનડેમાં ફોર્મમાં દેખાયો હતો અને તે તેનું પોર્મ જાળવી રાખવા માગશે. શ્રેયસ ઐયર સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં પરિવર્તિત કરી શક્યો નહીં પરંતુ હવે મોટો સ્કોર કરવા માગશે. ત્રીજી વનડેમાં મળેલી જીત ભારતીય ટીમ માટે ટોનિકનું કર્યું છે, નહીં તો વનડે શ્રેણીમાં ક્લિન સ્વીપથી ટીમનું મનોબળ ઓછું થઈ ગયું હોત.

બીજી તરફ વન ડે સિરીઝ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાનું મનોબળ ઊંચું છે સ્ટાર સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર ઈજાને કારણે આઉટ થયો છે. હવે જોવાનું એ છે કે સુકાની એરોન ફિંચ સાથે માર્ટસ લ્યુબ્સન ઓપનિંગમાં ઊતરે છે કે અન્ય કોઈ. માર્કસ સ્ટોઇનિસ ઇનિંગની શરૂઆત પણ કરી શકે છે પરંતુ તે વનડેમાં પણ ઈજાગ્રસ્ત હતો અને તેની રમત સામે અત્યારે પ્રશ્નાર્થ છે. બોલિંગમાં, મિશેલ સ્ટાર્ક ત્રીજી વનડેમાંથી બહાર થયા બાદ વાપસી કરી શકે છે, જ્યારે પેટ કમિન્સને વર્કલોડ મેનેજમેન્ટને કારણે આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમ : વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દિપક ચહર, ટી નટરાજન .

ઓસ્ટ્રેલિયા ટીમઃ એરોન ફિન્ચ (સુકાની), સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, મોસેસ હેરિક્સ, માર્નસ લબુસ્ચેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સાઇમ્સ, કેન રિચાર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ, ડાર્સી શોર્ટ , એડમ જંપા.

(9:03 pm IST)