Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ઈયાન મોર્ગને ડ્રેસિંગ રૂમમાંથી કોડવર્ડમાં મેસેજ મોકલ્યો

દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટી૨૦ દરમિયાનની ઘટના : સુકાની ઈયાનમોર્ગનની આ હરકતની ચારેબાજુએથી ભારે ટીકા

કેપટાઉન, તા. ૩ : ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે ૯ વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. પરંતુ કેપ ટાઉનમાં રમાયેલી છેલ્લી મેચને લઈને અનેક સવાલ ઉઠવા લાગ્યા છે. ખુદ ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ સુકાની માઈકલ વોને પણ આ ઘટનાની ટીકા કરી છે. ઈંગ્લેન્ડની ટીમ પર આરોપ લાગી રહ્યાં છે કે, મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાંથી જ સુકાની ઈયાન મોર્ગને કોડવર્ડમાં મેસેજ મોકલાવ્યા હતાં. આ બાબતને માઈકલ વોને નિયમો વિરૂદ્ધ ગણાવી તેને ગંભીર ગણાવીહતી.

આ ઘટના દક્ષિણ આફ્રિકાની ઈનિંગ દરમિયાન ૧૯મી ઓવરમાં ઘટી હતી. ઈંગ્લેન્ડની ટીમના એનાલિસ્ટ નાથન લેમન ડ્રેસિંગ રૂમમાં હતાં. આ દરમિયાન તેઓ મોર્ગન તરફ એક કાર્ડ દેખાડતા જોવા મળ્યાં હતાં. મોટા ફ્લિપબોર્ડ પર ૪ઈ અને ૨સી લખ્યું હતું. જોકે મેચ બાદ વિકેટકીપર જોસ બટલરે કહ્યું હતું કે, આનાથી તેમની ટીમને કોઈ ખાસ મદદ નથી મળી રહી. મોર્ગને કહ્યું હતું કે, મોર્ગન અને નાથન સાથે મળીને રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. આ એક પ્રાયોગીક બાબત છે. ઑયન દુનિયાના એક શાનદાર સુકાની છે.

મેચ દરમિયાન આ ઘટનાને લઈને માઈકલ વોને ટ્વિટ કરી ભારે ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, જો હું ઈંગ્લેન્ડની ટીમનો સુકાની હોત તો આ પ્રકારનું વર્તન ના કરત. મને નવા પ્રયોગો ગમે છે. હું હંમેશા નવા આઈડિયાને પ્રોત્સાહન આપુ છું. પરંતુ મને નથી લાગતુ કે એનાલિસ્ટ તમને મેદાનની બહારથી સલાહ આપે જે તમે જાણતા જ ના હોય.

આ ઘટનાને લઈને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે પણ સ્પષ્ટિકરણ કર્યું છે. ઈસીબીએ કહ્યું હતું કે, સુકાનીને ડ્રેસિંગ રૂમમાં કેટલીક જાણકારી આપી હતી. હવે એ સુકાની ઉપર છે કે તે તેને સ્વિકારે કે નજરઅંદાજ કરે.

જાહેર છે કે, આ મેચમાં ઈંગ્લેન્ડે ૯ વિકેટે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે ૧૯૨ રનનો લક્ષ્યાંક ૧૪ બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધું હતું.

(7:06 pm IST)