Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સૌરવ ગાંગુલીએ રાજકારણની પીચ ઉપર ઉતરવાનો ઇન્‍કાર કરી દેતા ભાજપના પ્રયાસોને મોટો ઝટકો

નવી દિલ્હી:  પશ્ચિમ બંગાળમાં ભાજપને એક એવા નેતાની કમી જોવા મળી રહી છે જેનો દરેક સમાજ સ્વીકાર કરે. આ કારણે ભાજપ બંગાળમાં કેટલીક જાણીતી વ્યક્તિઓને પોતાની સાથે જોડવાના પ્રયાસમાં છે. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. સૌરવ ગાંગુલી ક્રિકેટર તરીકે પશ્ચિમ બંગાળમાં લોકપ્રિયતા જોવા મળી રહી છે.

જોકે, ભાજપને આ પ્રયાસોથી મોટો ઝટકો લાગ્યો છે. સૌરવ ગાંગુલીએ રાજકારણની પિચ પર ઉતરવાનો ઇનકાર કરી દીધો છે. સૌરવ ગાંગુલીએ પોતાનો નિર્ણય ભાજપ હાઇ કમાન્ડને જણાવી દીધો છે. ગાંગુલીએ કહ્યુ કે તે પોતાની ક્રિકેટની જવાબદારીઓ નીભાવવામાં વ્યસ્ત છે અને તેમાં જ ખુશ છે. કહેવામાં આવી રહ્યુ છે કે સૌરવ ગાંગુલીએ ભાજપ માટે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાનો પણ ઇનકાર કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે ગત બે વર્ષમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં મજબૂત થઇ છે. જેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 42માંથી 18 બેઠક પર જીત મેળવી હતી. સાથે જ વોટ શેર મામલે પણ સત્તાધારી ટીએમસીથી માત્ર 3 ટકા વોટ પાછળ રહી હતી.

જોકે, પશ્ચિમ બંગાળના રાજકારણમાં હજુ પણ સૌથી મોટી પાર્ટીના નેતા ટીએમસી ચીફ મમતા બેનરજી જ છે. મમતા બેનરજીની માસ અપીલ હોવાની સાથે જ લઘુમતી મતદારો પર પણ સારી એવી પકડ છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીને ટક્કર આપવા માટે ભાજપને કોઇ પણ માસ અપીલ ધરાવતા નેતાની જરૂર છે.

બંગાળમાં ભાજપ નેતૃત્વની વાત કરીએ તો હજુ બે નેતા સૌથી આગળ જોવા મળી રહ્યા છે. જેમાં દિલીપ ઘોષ અને મુકુલ રોયનું નામ આવે છે. દિલીપ ઘોષને RSSનું સમર્થન પમય છે પરંતુ દિલીપ ઘોષને બંગાળના મધ્યમ અને ઉચ્ચ વર્ગીય સમાજમાં વધુ સમર્થન નથી મળતુ. બીજી તરફ મુકુલ રોયનો ઇતિહાસ દાગદાર છે, જે તેમણે મજબૂત દાવેદાર બનાવતા રોકે છે.

આ કારણે ભાજપ વિધાનસભા ચૂંટણી પહેલા કોઇ એવા ચહેરાની શોધમાં છે, જેને રાજ્યનો દરેક વર્ગ સ્વીકારે અને જે લોકપ્રિયતા મામલે મમતા બેનરજીને ટક્કર આપી શકે. ભાજપ પણ આ જાણે છે કે વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીનો ચહેરો એટલો લોકપ્રિય નહી રહે અને તે ચૂંટણીમાં લોકો સ્થાનિક નેતૃત્વને વધુ મહત્વ આપે છે. જોકે, સૌરવ ગાંગુલીના ઇનકારથી લાગી રહ્યુ છે કે ભાજપની આ પરેશાની અત્યારે હલ થવાની નથી.

(4:59 pm IST)