Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

પ્રથમ ટી-20માં ભારતનો 7 વિકેટે પરાજય: બાંગ્લાદેશે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

મુશફિકુર રહીમે શાનદાર 60 રન ફટકાર્યા : બાંગ્લાદેશે 149 રનનો લક્ષ્યાંક 19,3 ઓવરમાં હાંસલ કર્યો

નવી દિલ્હી : પ્રથમ ટી-20 મેચમાં ભારતનો બાંગ્લાદેશ સામે સાત વિકેટે પરાજય થયો છે બાંગ્લાદેશના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મુશ્ફિકુર રહીમની અણનમ 60ની મદદથી બાંગ્લાદેશે ભારત સામેની પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો આ  જીત સાથે બાંગ્લાદેશે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે શ્રેણીની બીજી ટી-20 મેચ 7 નવેમ્બરે રાજકોટમાં રમાશે. બાંગ્લાદેશ ટી-20 ફોર્મેટમાં ભારત સામે પ્રથમ વખત જીત મેળવવા સફળ રહ્યું છે.
લિટ્ટન દાસ 7 રન બનાવી આઉટ થતા બાંગ્લાદેશની શરુઆત ખરાબ રહી હતી. મોહમ્મદ નઈમે 26 અને સૌમ્યા સરકારે 39 રન બનાવી સ્થિતિ સંભાળી હતી. નઇમ ચહલ અને સૌમ્યા ખલીલ અહમદનો શિકાર બન્યા હતા. આ પછી મુશ્ફિકુર રહીમે 43 બોલમાં અણનમ 60 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ભારત તરફથી દીપક ચાહર, ચહલ અને અહમદે 1-1 વિકેટ ઝડપી હતી.
અગાઉ ભારતનો રોહિત શર્મા 9 રન બનાવી એલબી આઉટ થયો હતો. લોકેશ રાહુલ 17 બોલમાં 15 રન બનાવી કેચઆઉટ થયો હતો. ઐયર 13 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. ધવને 42 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 41 રન બનાવ્યા હતા. ધવન રનઆઉટ થયો હતો

ડેબ્યૂ મેચ રમી રહેલો શિવમ દૂબે ફક્ત 1 રન બનાવી અફીફનો શિકાર બન્યો હતો. પંતે 26 બોલમાં 3 ફોર સાથે 27 રનની ઇનિંગ્સ રમી હતી. ક્રુણાલ પંડ્યાએ 8 બોલમાં 15 અને વોશિંગ્ટન સુંદરે 5 બોલમાં 14 રન બનાવી સ્કોર 148 સુધી પહોંચાડ્યો હતો.
પ્રથમ ટી-20માં બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ઓલરાઉન્ડર શિવમ દૂબેએ ટી-20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ટી-20 ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 82મો ખેલાડી છે. તેને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ડેબ્યૂ કેપ આપી હતી.

રોહિત શર્મા 98મી ટી-20 મેચ રમવા ઉતર્યો છે. આ સાથે જ તે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીથી આગળ નિકળી ગયો છે. તેનાથી આગળ ફક્ત શોએબ મલિક અને શાહિદ આફ્રિદી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ ટી-20 મેચ ક્રિકેટ ઇતિહાસની 1000મી મેચ છે. ટી-20 ફોર્મેટની પ્રથમ મેચ 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

(11:15 pm IST)