Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ ૧૧પ રન નોટઆઉટ ઇનિંગ્સ રમીને ડોન બ્રેડમેનની બરાબરી કરી

નવી દિલ્હીઃ ક્રિકેટમાં જ્યારે પણ મહાનતાની વાત આવે છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનનું નામ સૌથી પહેલા આવે છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં લગભગ 100ની સરેરાશથી રન બનાવ્યા છે, જે કોઈ પણ ક્રિકેટર માટે માત્ર એક સ્વપ્નની જ વાત છે. જોકે 'હિટમેન' રોહિત શર્માએ આશ્ચર્યજનક રીતે બ્રેડમેનની સરેરાશની બરાબરી કરી લીધી છે. રોહિત શર્માએ બુધવારે દક્ષિણ આફ્રિકા સામેની  પ્રથમ મેચમાં 115 રન નોટ આઉટ ઈનિંગ્સ રમી હતી અને તેની સાથે જ તેણે બ્રેડમેનની બરાબરી કરી લીધી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. યજમાનટીમ ઈન્ડિયાએ આખા દિવસમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર રમત પુરી થતાં સુધીમાં 202 રન બનાવ્યા છે. જેમાં રોહિત શર્માના નોટ આઉટ 115 રન અને બીજા ઓપનર મયંક અગ્રવાલના 85 નોટ આઉટનો સમાવેશ થાય છે.

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં લગભગ બે વર્ષ પછી સદી ફટકારી છે. તેમની આ સદી એટલા માટે પણ યાદગાર કહેવાશે, કેમ કે તેના કારણે તે બ્રેડમેનના રેકોર્ડની બરાબરી પર આવી ગયો છે. બ્રેડમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 99.94ની સરેરાશથી રન બનાવ્યા છે. આ તેમની કુલ સરેરાશ છે. જો ઘરેલુ શ્રેણીમાં રમવામાં આવેલી મેચના આંકડા જોઈએ તો બ્રેડમેનની સરેરાશ 98.22 છે. રોહિત શર્માએ આ આંકડામાં બ્રેડમેન સાથે બરાબરી કરી છે.

રોહિત શર્માએ ઘરેલુ સીરીઝમાં 10 ટેસ્ટમાં 884 રન બનાવ્યા છે, જેમાં 4 સદીનો સમાવેશ થાય છે. સૌથી મોટી વાત રોહિત શર્માની ઘરેલુ ટેસ્ટ મેચની સરેરાશ 98.22ની છે. આ બિલકુલ બ્રેડમેનની સરેરાશ જેટલી છે. આ માત્ર સંયોગ જ હોઈ શકે છે, પરંતુ એ સત્ય છે કે આજની તારીખે બ્રેડમેન અને રોહિત શર્માની ઘરેલુ ટેસ્ટ મેચોની સરેરાશ એકસમાન છે.

રિહોત અત્યારે પોતાની 28મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે આટલી મેચમાં અત્યાર સુધી 42.50ની સરેરાશ સાથે 1700 રન બનાવ્યા છે.

(5:28 pm IST)