Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વિજય હઝારે ટ્રોફીઃ સમર્થ વ્યાસના ૧ર૪ નોટઆઉટની મદદથી સૌરાષ્ટ્રનો આંધ્ર ઉપર ૧પ૩ રનથી તોતીંગ વિજય

ઓપનીંગ વિકેટો સસ્તામાં ગુમાવ્યા બાદ સમર્થ વ્યાસ ૧ર૪ (૪ ચોગ્ગા, ૬ છગ્ગા) અને વિશ્વરાજ જાડેજાના ૮ર (૮ ચોગ્ગા, ૧ છગ્ગો)એ મેચ પલ્ટાવી નાખ્યોઃ આંધ્ર ૧૪પ રનમાં ખખડયુઃ જયદેવ ઉનડકટે ૩ અને ચિરાગ જાની-કમલેશ મકવાણાની બે-બે વિકેટો પણ મહત્વની

વિજય હઝારે ટ્રોફીમાં ધુંવાધાર અણનમ સદી ફટકારી રાજકોટનું ગૌરવ વધુ એક વાર ઉન્નત કર્યુ.

રાજકોટ, તા., ૩: બેંગ્લોર ખાતે રમાઇ રહેલી વિજય હઝારે ટ્રોફીમાં મુંબઇ સામે હાર બાદ સૌરાષ્ટ્રે જોરદાર કમ બેક કર્યુ છે.  રાજકોટના સમર્થ વ્યાસના ધુંવાધાર ૧ર૪ રન અને જામનગરના વિશ્વરાજ જાડેજાના ઝડપી ૮ર રનની મદદથી સૌરાષ્ટ્રે ૩ વિકેટે ર૯૮ રનનો તોતીંગ સ્કોર વન-ડેમાં ખડકયો હતો. જેના જવાબમાં સૌરાષ્ટ્રના બોલીંગ એટેક સામે આંધ્રપ્રદેશ ૩૭.૩ ઓવરમાં માત્ર ૧૪પ રને ઓલઆઉટ થઇ જતા સૌરાષ્ટ્રનો ૧પ૩ રનથી મસમોટો વિજય થયો હતો.

જયદેવ ઉનડકટ૧૮ રનમાં ૩ વિકેટ  ઝડપી ઇકોનોમીકલ બોલર સાબીત થયો હતો. ચિરાગ જાની અને કમલેશ મકવાણાએ પણ બે-બે વિકેટો ઝડપી આંધ્રપ્રદેશને તંબુ ભેગી કરવામાં જયદેવ ઉનડકટને સાથ આપ્યો હતો.

સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ બેટીંગ શરૂ થઇ ત્યારે આંધ્રએ ઓપનર્સની વિકેટો સસ્તામાં ખેડવી દીધી હતી. ત્યાર બાદ વનડાઉન આવેલા સમર્થ  વ્યાસ અને તેના જોડીદાર વિશ્વરાજ જાડેજાએ આંધ્રપ્રદેશના બોલરોને રીતસર ધોઇ નાખ્યા હતા. સમર્થ વ્યાસે ૧૩૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે અણનમ ૧ર૪ રન નોંધાવ્યા હતા. તેની સાથે ખમતીધર પાર્ટનર બની સામા છેડે ઉભેલા વિશ્વરાજ જાડેજાએ પણ ઝડપી બેટીંગ કરવામાં કોઇ કચાશ રાખી ન હતી. વિશ્વરાજે ૯૧ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૮ર રન ફટકાર્યા હતા. કમનશીબે તે સદી સુધી પહોંચ્યો ન હતો. તેના સ્થાને આવેલા અર્પીત વસાવડાએ ૩પ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૩ રન બનાવ્યા હતા. જવાબમાં આંધ્ર તરફથી કરણ શીંદેએ પર રન નોંધાવ્યા હતા. એ ઇનીંગ એક માત્ર નોંધનીય હતી. આંધ્રપ્રદેશ ૩૭.૩ ઓવરમાં ૧૪પ રનમાં સમેટાઇ ગયું હતું. જયદેવ ઉનડકટે ૧૮ રનમાં ૩ વિકેટ તેમજ ચીરાગ જાનીએ ૧પ રનમાં બે વિકેટ અને કમલેશ મકવાણાએ ૪ર રનમાં બે વિકેટ ઝડપી હતી.

સૌરાષ્ટ્રની ટીમ હવે તેમનો આગામી મેચ ૩ દિવસના રેસ્ટ બાદ છતીસગઢ સામે રમશે.

(1:05 pm IST)