Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન બનતો વિરાટ

વિન્ડીઝનો વ્હાઈટવોશ કરી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરૂઆતઃ ધોનીને પાછળ છોડ્યો : ભારત ૨૫૭ રને જીત્યુ : વિહારી મેન ઓફ ધ મેચ

ટીમ ઈન્ડિયાએ એન્ટિગા અને ત્યાર બાદ જમૈકામાં વેસ્ટ ઈન્ડિઝને મોટા અંતરથી હાર આપીને ટેસ્ટ સિરીઝ ૨-૦થી પોતાના નામે કરી છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટ મેચમાં ૨૫૭ રનના અંતરથી હરાવ્યું. આ જીત સાથે વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલી એટલે જાણે રેકોર્ડ બ્રેકર. એક પછી એક રેકોર્ડ વિરાટ કોહલી પોતાના નામે કરી રહ્યો છે. વિરાટ કોહલીએ આ ટેસ્ટ રેકોર્ડ સાથે ધોનીને પણ પાછળ મુકી દીધો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ૨-૦થી ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે વિરાટ કોહલી ભારત તરફથી સૌથી વધારે ટેસ્ટ જીતનારા કેપ્ટન બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ૨૭ ટેસ્ટ મેચ જીતી હતી જયારે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટ જીતતા વિરાટ કોહલીએ ટેસ્ટમાં ૨૮ જીત પોતાના નામે કરી છે. કેપ્ટન તરીકે ધોનીએ ૬૦ ટેસ્ટ રમી છે જેમાં ૨૭ ટેસ્ટમાં જીત પોતાના નામે કરી છે જયારે વિરાટ કોહલીએ માત્ર ૪૮ ટેસ્ટમાં ૨૮ જીત પોતાના નામે કરી છે.

ટેસ્ટમાં ભારતના સફળ કેપ્ટનો આ મુજબ છે. વિરાટ કોહલી - ૪૮ મેચ, ૨૮ જીત, ૧૦ હાર, ૧૦ ડ્રો, એમ.એસ ધોની ૬૦ મેચ, ૨૭ જીત, ૧૮ હાર, ૧૫ ડ્રો, સૌરવ ગાંગુલી ૪૯ મેચ, ૨૧ જીત, ૧૩ હાર, ૧૫ ડ્રો, મો.અઝરૂદ્દીન ૪૭ મેચ, ૧૪ જીત, ૧૪ હાર, ૧૯ ડ્રો.

ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જમૈકાના સબીના પાર્કમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ૨૫૭ રનથી જીત મેળવી હતી. ભારતે ટેસ્ટ સિરીઝ પણ ૨-૦થી પોતના નામે કરી છે. ભારતીય ટીમે મેઝબાન ટીમ વેસ્ટ ઈન્ડીઝ ટીમના સુપડા સાફ કરી દિધા છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટની સાથે વન-ડે અને ટી-૨૦ સિરીઝ પણ પોતાના નામે કરી. ભારતીય ટીમે કેરેબિયન ટીમને ત્રણેય ફોર્મેટમાં કિલન સ્વીપ આપી છે.(૩૭.૬)

 

(11:42 am IST)