Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મને ખેલાડીઓ ઉપર ગર્વ, શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ

બેલ્જીયમ સામેની હાર બાદ નરેન્દ્રભાઇ મોદીએ હોકી ટીમને સંદેશો આપ્યો

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકની મેન્સ હોકી સેમિફાઇનલ મેચમાં હાર મળી પરંતુ ભારતે અહીં હાર્યા બાદ પણ દિલ જીતી લીધા છે. દરેક ભારતીયની જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સેમી ફાઇનલ મેચ જોઇ અને ભારતીય હોકી ટીમ પર ગર્વ વ્યકત કર્યો. તેમણે ટવીટ કરી કહ્યું કે જીત અને હાર જીવનનો એક ભાગ છે, ભારતીય ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. હવે ભારત બ્રોન્ઝ મેડલ માટે આગામી મેચ રમશે.

 પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું,  હાર અને જીત જીવનનો ભાગ છે. આપણી પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે. ટીમને આગામી મેચ માટે અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે.

 આની પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, 'હું ટોક્યો ઓલિમ્પિકની ભારત vs બેલ્જિયમ હોકી મેન્સ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. મને આપણી ટીમ અને તેની કુશળતા પર ગર્વ છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 

(3:04 pm IST)