Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હરભજન સિંહની પત્નિ ગીતા બસરાએ ઠાલવ્યું દુઃખ

બે કસુવાવડ પછી પુત્રનો જન્મઃ વેઠી ઘણી વેદના

તાજેતરમાં ગીતા બસરા અને હરભજન સિંહ બીજી વખત માતા-પિતા બન્યા છેઃ પરંતુ આ વિશે ગીતાએ એક દુખદ અનુભવ જણાવ્યો છે

નવી દિલ્હી, તા.૩: ગીતા બસરા અને હરભજન સિંહ બીજી વખત માતા-પિતા બન્યા છે. ગીતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પુત્રના જન્મની ખબર આપી હતી. હવે દીકરાના જન્મ પછી ગીતાએ પોતાનું દુઃખ જણાવ્યું છે. ગીતાએ કહ્યું કે તેને બે કસુવાવડ થયા હતા. તેણીએ તેની ગર્ભાવસ્થા વિશે ખુલીને વાત કરી છે.

ખાનગી સમાચાર સંસ્થા સાથેની ખાસ વાતચીતમાં ગીતાએ કહ્યું કે તેની પહેલી કસુવાવડ વર્ષ ૨૦૧૯ માં અને બીજી વર્ષ ૨૦૨૦ માં થઇ હતી. બંને વખત તેણીની કસુવાવડ પ્રથમ ત્રિમાસિકમાં થઇ હતી. હરભજન હંમેશા આ મુશ્કેલ સમયમાં ગીતા સાથે હતા. ગીતાએ કહ્યું કે જયારે આ પ્રથમ ત્રિમાસિકમાં થાય છે, ત્યારે માતાને અન્ય કરતા વધુ નુકસાન થાય છે.

ગીતાએ આગળ કહ્યું કે હું આજે આ વિશે વાત કરવા માંગુ છું. હું તે મહિલાઓને કહેવા માંગુ છું જે કસુવાવડ પછી ફરી માતા બનવાની આશા ગુમાવે છે. તેઓએ હાર ન માનવી જોઈએ અને મૌન રાખીને તેમની પીડા છુપાવવી પણ જોઈએ નહીં. હા, કસુવાવડ તમારા પર ઘણી અસર કરે છે અને તેમાંથી બહાર આવવામાં પણ દ્યણો સમય લાગે છે. મારા કેટલાક મિત્રોની કસુવાવડ થઈ છે પણ આપણે તેને પાછળ છોડી આગળ વધવું જોઈએ.

ગીતાએ કહ્યું કે છેલ્લા બે વર્ષ તેના માટે પીડાદાયક હતા. કસુવાવડ પછી મહિલાઓના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે આગળ સમસ્યાઓ આવે છે.

ગીતાએ તેની બીજી કસુવાવડ બાદ પંજાબમાં તેના સાસરિયાઓ સાથે રહેવાનું શરૂ કર્યું. જયાં તેના પતિ હરભજન તેની સંભાળ લઈ રહ્યા હતા. ગીતાએ કહ્યું કે એક છોકરીને તેની આસપાસ સપોર્ટ સિસ્ટમની જરૂર હોય છે. લગ્ન પહેલા પણ મેં વિચાર્યું હતું કે મારે એક નહીં પણ બે બાળકો જોઈએ છે. ભાઈ -બહેન વચ્ચેનો સંબંધ મજબૂત હોવો જોઈએ અને પ્રથમ બાળકને હંમેશા કંપની જોઈએ છે. મારી પુત્રી હિનાયા ૫ વર્ષની છે. જો બધુ બરાબર હોત તો હિનાયાનો ભાઈ કે બહેન ૩ વર્ષના હોત.

(10:28 am IST)