Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

2014 બાદ પ્રથમવાર આઇપીએલ યુએઇમાં રમાશેઃ ગવર્નિંગ કાઉન્‍સીલની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવાયા

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં આઈપીએલના કાર્યક્રમ સિવાય અન્ય વાતો પર પણ મહોર લાગી છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે કે લીગની 13મી સીઝન રમાવાનું નક્કી છે. આ યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે રમાશે. વર્ષ 2014 બાદ પ્રથમવાર આઈપીએલ યૂએઈમાં રમાશે. આ સીઝનમાં કેટલીક મેચ યૂએઈમાં રમાઇ હતી. દુબઈ, શારજાહ અને અબુધાબીમાં આ લીગની મેચ રમાશે. આ સિવાય કઈ વાતો પર મહોર લાગી.

સાડા સાત કલાકે મેચ

આઈપીએલના મુકાબલા આ વખતે ભારતીય સમયાનુસાર રાત્રે 8 કલાકની જગ્યાએ અડધી કલાક વહેલા સાંજે 7.30 કલાકે રમાશે. પ્રસારણકર્તા ઘણા સમયથી તેની માગ કરી રહ્યાં હતા. તેનું કહેવું હતું કે મેચ મોડી શરૂ થવા પર મોડી પૂરી થાય છે તેની અસર દર્શકોની સંખ્યા પર પડશે.

10 ડબલ હેડર હશે

આઈપીએલનું માર્ચમાં જે શેડ્યૂલ જારી કરવામાં આવ્યું હતું તેમાં માત્ર 5 ડબલ હેડર હતા. એટલે કે પાંચ દિવસ એવા હતા જેમાં દિવસમાં બે મેચ રમાવાની હતી. હવે સમાચાર છે કે દસ દિવસ એવા હશે જેમાં એક દિવસમાં બે મેચ રમાશે. તેવું લાગી રહ્યું છે કે મેચની વચ્ચે કેટલાક દિવસનો બ્રેક પણ હોઈ શકે છે. જે દિવસે બે મેચ હશે તે દિવસે પહેલી મેચ થોડી વગેલી શરૂ થશે.

10 નવેમ્બરે ફાઇનલ

છેલ્લી 12 સીઝનથી આઈપીએલની ફાઇનલ વિકએન્ડ પર થાય છે. પરંતુ આ વખતે ગવર્નિંગ કાઉન્સિલે તેને મંગળવારે કરાવવાનો નિર્ણય કર્યો છે. 10 નવેમ્બરે મંગળવાર છે અને પ્રથમવાર બનશે કે સપ્તાહની વચ્ચે આ લીગની ફાઇનલ રમાશે. પ્રસારણકર્તા અને અન્ય હિતધારક ઈચ્છતા હતા કે આ વખતે દિવાળી વાળા સપ્તાહમાં આયોજન કરવામાં આવે. દિવાળી 14 નવેમ્બરે છે. હિતધારકોનું તે પણ કહેવું છે કે દિવાળી વાળા સપ્તાહનો વધુ ઉપયોગ થઈ જશે.

રિપ્લેસમેન્ટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની સંચાલન સમિતિએ યૂએઈમાં યોજાનાર ટૂર્નામેન્ટ દરમિયાન કોવિડ-19 રિપ્લેસ્મેન્ટને મંજૂરી આપી છે. એટલે કે ખેલાડીઓને ટૂર્નામેન્ટ વચ્ચે જ નવા ખેલાડીને સામેલ કરવાની મંજૂરી હશે. કોરોના વાયરસને કારણે ખેલાડી બદલવાની છૂટ આ વૈશ્વિક મહામારીના સમયમાં મળી છે.

દર્શકો પણ આવી શકશે મેદાનમાં

યૂએઈની સરકારે મેદાનમાં દર્શકોના આવવાની મંજૂરી આપી દીધી છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે લીગમાં મેદાનમાં સીમિત સંખ્યામાં દર્શકો આવી શકે છે. પરંતુ સમાચાર અનુસાર લીગની શરૂઆતમાં મેદાન ખાલી રહેશે પરંતુ જેમ-જેમ ટૂર્નામેન્ટ આગળ વધશે તો મેદાનમાં દર્શકો જોવા મળી શકે છે.

24 ખેલાડીઓની લિમિટ

આઈપીએલની ઘણી ટીમોમાં 27-28 ખેલાડી સામેલ છે પરંતુ નિયમો અનુસાર વધુમાં વધુ 24 ખેલાડી જઈ શકશે. ખબરો પ્રમાણે, ટીમો 26 ઓગસ્ટ બાદ યૂએઈ માટે જશે. તે પહેલા બીસીસીઆઈનો એક કેમ્પ થશે.

ચાર્ટડ ફ્લાઇટ હશે

બધા ખેલાડીઓ માટે ચાર્ટડ ફ્લાઇટ હશે. એટલે કે કોઈ ખેલાડી કોમર્શિયલ ફ્લાઇટમાં જશે નહીં. વિદેશી ખેલાડીઓને પણ ચાર્ટડ ફ્લાઇટ દ્વારા યૂએઈ લાવવામાં આવશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી સિરીઝ પૂરી થયા બાદ ઈંગ્લેન્ડથી ચાર્ટડ ફ્લાઇટમાં પહોંચશે. કેરેબિયન પ્રીમિયર લીગ પૂરી થયા બાદ વિન્ડિઝના ખેલાડીઓ પણ ચાર્ટડ ફ્લાઇટથી પહોંચશે. આફ્રિકા હજુ બંધ છે એટલે સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવામાં આવી રહી છે. બાકી ત્યાંની સરકારનો સંપર્ક કરવામાં આવશે.

(4:52 pm IST)