Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

કાઉન્ટીમાં રમાવાથી અને મારી એકશનમાં ફેરબદલ કરવાથી મળી સફળતાઃ અશ્વિન

બોલ હવામાં હોય ત્યારે જ બેટસમેનને ચકમો આપવા ધ્યાન કેન્દ્રીત કર્યુ

ભારતીય ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને કહ્યું હતું કે કાઉન્ટી ક્રિકેટમાં રમવાથી અને મારી બોલિંગ- એકશનમાં થોડોઘણો ફેરબદલ કરવાથી મને ફાયદો થયો. ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટના પહેલા દિવસે તેણે ૬૦ રન આપી ૪ વિકેટ લીધી હતી. કાઉન્ટી ટીમ વર્સેસ્ટરશર કાઉન્ટી તરફથી રમી ચૂકયો છે.

તેણે એક ટીવી- ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જયારે હું ગયા વર્ષે અહીં કાઉન્ટી રમવા માટે આવ્યો તો અનુભવ્યું કે અહીંના બોલરો કઈ ઝડપે બોલ નાખે છે. અહીંની પરિસ્થિતિ પહેલા દિવસથી જ ઘણી ધીમી છે. તમને થોડોઘણો બાઉન્સ મળશે, પરંતુ ઝડપ નહીં હોય તો બેટ્સમેનોને ફ્રન્ટ અને બેકફુટ પર આ બોલને રમવા માટે ઘણો સમય મળી જશે. હું અહીં આવ્યો ત્યારે જ મેં આ વાત સમજી લીધી.

૩૧ વર્ષના આ ભારતીય બોલરે અત્યાર સુધી ૫૮ ટેસ્ટમાં ૩૧૬ વિકેટ લીધી છે. તેણે કહ્યું હતું કે 'છેલ્લા ૧૨થી ૧૮ મહિના દરમ્યાન હું ઘણું કલબ ક્રિકેટ રમ્યો જેમાં મે મારી એકશનમાં થોડો ફેરફાર કરવાનું કામ કર્યું, જેમાં હું સફળ રહ્યો. બોલ જયારે હવામાં ઓય ત્યારે જ બેટ્સમેનને ચકમો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં હું સફળ થયો. આપણે હંમેશા પિચની પરિસ્થિતિ મુજબ જ વિકેટ લેવાની વાત કરીએ છીએ, પરંતુ હવે બેટ્સમેન આ પિચ પર રમવાનો આનંદ ઉઠાવે છે. એથી હું બોલ હવામાં હોય ત્યારે જ બેટ્સમેનને ચકમો આપવાનું વિચારી રહ્યો હતો.'(૩૦.૬)

(4:10 pm IST)