Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ઇજાના કારણે ઓલરાઉન્ડર વિજય શંકર વિશ્વકપ ક્રિકેટ ટીમમાંથી બહાર થયો અને તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરાતા સૌ ચોંકી ઉઠ્યા

બર્મિંઘમઃ ઈજાને કારણે ઓલરાઉન્ડર વિજય શંકર આઈસીસી વિશ્વકપ-2019માથી બહાર થયો અને તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવાથી બધા ચોંકી ગયા હતા. એમ.એસ.કે પ્રસાદના નેતૃત્વમાં પસંદગીકારોએ વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરતા અંબાતી રાયડૂને રિઝર્બ બેટ્સમેનના રૂપમાં પસંદ કર્યાં હતા, પરંતુ તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટૂર્નામેન્ટ રમવા માટે ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો તેવામાં સવાલ ઉઠે છે કે અંતિમ મિનિટોમાં પસંદગીકારોએ પોતાના નિર્ણયમાં ફેરફાર કેમ કર્યો.

એક સૂત્રએ જણાવ્યું કે, રાયડૂની જગ્યાએ મંયકને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય પાંચ સભ્યોની પસંદગી સમિતિએ નહીં ટીમ મેનેજમેન્ટે લીધો. સૂત્રએ કહ્યું, 'ટીમ મેનેજમેન્ટે સાફ કહ્યું કે, તે ઈજાગ્રસ્ત શંકરની જગ્યાએ મયંકને ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. પસંદગીકારોએ તેના પર ચર્ચા કરવાનો કોઈ સવાલ નહતો.'

ઈન્ડિયા-એ માટે મયંકના દમદાર પ્રદર્શને અપાવી વિશ્વકપની ટિકિટ

એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓપનિંગ બેટ્સમેન મયંકને ટીમમાં સામેલ થવાથી લોકેશ રાહુલને બીજીવાર મધ્યમક્રમમાં મોકલી શકાય છે જેથી ટીમનું સંતુલન સારૂ થશે. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે, ઈન્ડિયા-એ માટે મયંકના દમદાર પ્રદર્શને તેને વિશ્વકપની ટિકિટ અપાવી છે.

સૂત્રએ કહ્યું, 'જો તમે 'એ' ટીમ માટે રમાયેલી વનડે સિરીઝમાં મયંકનો રેકોર્ડ જુઓ તો તેણે ચાર ઈનિંગમાં બે સદી સાથે 287 રન બનાવ્યા. લેસ્ટશાયર વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં તમે તેના 151 રનને ન ભૂલી શકો. તે સિરીઝ પણ જૂન અને જુલાઈમાં રમાઇ હતી. સામાન્ય ધારણા રહી છે કે તે બહુમુખી છે અને કોઈપણ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ શકે.' ભારતીય ટીમ શનિવારે શ્રીલંકાનો સામનો કરશે.

(5:10 pm IST)